એકાઉન્ટન્ટે ૩૩ લાખ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા
નવા એકાઉન્ટન્ટે હિસાબ અને ચોપડાની ચકાસણી કરતા ભાંડો ફૂટયો
વડોદરા,મકરપુરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ભેજાબાજે કંપનીના એકાઉન્ટમાંથી તેની પત્નીના એકાઉન્ટમાં ૩૩.૪૨લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગેની જાણ કંપની માલિકને થતા તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોત્રી ગદાપુરા પેરીસ નગર સોસાયટીમાં રહેતા યોગેશભાઈ ભગવતલાલ બનાતવાલા મકરપુરા જીઆઇડીસી ભગવત લીલા વુડ ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની ચલાવે છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૯ ના એપ્રિલ મહિનામાં મારે કંપનીના કામ માટે એકાઉન્ટની જરૃર હોય એકાઉન્ટન્ટ તરીકે રિકીન સુરેશભાઈ ગાંધી (રહે સાઈ સર્જન સોસાયટી અટલાદરા સન ફાર્મા રીંગરોડ) ને નોકરી પર રાખ્યો હતો અને દર મહિને ૧૨ હજાર રૃપિયા પગાર નક્કી કર્યો હતો. જુલાઇ - ૨૦૨૩માં રિકીનગાંધીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. અને તેની જગ્યાએ અંકિતભાઈ દરજીને નવા એકાઉન્ટન્ટ તરીકે રાખ્યા હતા. નવા એકાઉન્ટન્ટે ચોપડા અને હિસાબની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રિકીન ગાંધીએ તેમની પત્ની એકતાના નામ પર અમારી જાણ બહાર ભગવતી વુડન પ્રોડક્ટસ નામની કંપની ચાલુ કરી હતી અને અમારી કંપની ભગવત લીલા વુડ ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝમાંથી તેની પત્નીની કંપની ભગવતી વુડન પ્રોડક્ટ્સના બેન્ક એકાઉન્ટમાં બે વર્ષમાં ૩૩.૪૨ લાખ રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.