Get The App

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો 1 - image

એક ભાગીદાર સહિત 13 ઈસમો વિરુધ્ધ ગુનો દાખલ

'કાલથી તારે નોકરી પર જવાનું નથી' કહી બોલાચાલી કર્યા બાદ લોખંડના પાઈપ અને લાકડી વડે બેફામ માર માર્યો

જામનગર: જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલ ઇન્ટરનેશનલના બે ભાગીદારો વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે, અને તેમાં નોકરી કરતા એક કર્મચારીનો દાવ લેવાયો છે. અને તેના પર એક ભાગીદાર સહિત ૧૩ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત યુવાન હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને જામનગરની વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા ૨૫ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા નામના ૪૮ વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ, લાકડાના ધોકા, લાકડીઓ સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે મિલન હંજળા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય ૧૦ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનની સધન સારવાર ચાલી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અમિત ચૂડાસમા કે જેની હોટલના બે ભાગીદારો મિતેશભાઇ કનખરા અને બીજા ભાગીદાર કિરીટભાઈ ભદ્રા કે જે બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેના ઝઘડામાં ગઈકાલે રાત્રિના સમયે ફરિયાદી યુવાન પોતાના ઘેર સૂતો હતો તે દરમિયાન મિલન હંજળાનો ફોન આવ્યો હતો, અને કાલથી તારે નોકરી પર નથી જવું તેવી ધમકી આપી હતી તેથી અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછતાં તેને જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિઝ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોતે મોડી રાત્રે ગયો હતો, તે સમયે કુલ ૧૩ જેટલા આરોપીઓ હથિયારો સાથે ઉભા હતા, અને તેને ધાક ધમકી આપી નોકરી નહીં કરવા દબાણ કર્યું હતું. જેના તાબે નહીં થતાં તમામ આરોપીઓએ તેના માથામાં તેમજ શરીરના અન્ય જુદા જુદા ભાગોમાં લાકડી અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી દેતાં પોતે લોહી લુહાણ થઈને ઢળી પડયો હતો.

સિટી સી. ડિવિઝનના પી.આઇ. એન.બી. ડાભી અને તેઓની ટીમેં અમિત ચુડાસમાની ફરિયાદના આધારે મિલન હંજડા, અનિલ ભદ્રા અને કિરીટ ભદ્રા તેમજ તેના અન્ય ૧૦ સાગરીતો સામે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.