બોરસદમાં 4 મહિનાથી રોડ પર ભૂંગળાથી અકસ્માત વધ્યા
- પાલિકાની બેદરકારીના લીધે
- વન તળાવ વિસ્તારમાં કાંસની કામગીરી નહીં શરૂ થતા ભૂંગળા અડચણરૂપ બન્યા
આણંદ : બોરસદના વન તળાવ વિસ્તારમાં રોડ ઉપર ચાર મહિનાથી ખડકી દીધેલા મોટાં ભૂંગળા અકસ્માતો સર્જી રહ્યા છે. પાલિકાની બેદરકારીને કારણે કાંસની કામગીરી નહીં શરૂ થવાના પરિણામે ભૂંગળા હટતા નથી. પરિણામે લોકો અગવડ ભોગવવા મજબૂર બન્યા છે.
બોરસદ વન તળાવ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, છેલ્લા ૪ મહિના અગાઉ શહેરનું વરસાદી પાણી તળાવમાં પહોંચાડવા માટે ખોદાણ કરીને મોટા ભૂંગળા નાખવાની કામગીરીનો સર્વે કરાયો હતો.
ગત મે મહિનામાં મોટા ભૂંગળા લાવીને રોડ ઉપર આડા મૂકી દીધા હતા. પરંતુ, હજુ સુધી નગરપાલિકા દ્વારા ભુંગળા હટાવી નવી કાંસ બનાવવાની કામગીરી શરૂ કરાઈ નથી. જેને કારણે હાલ કંસારી, ખંભાત બાજુ જતા રસ્તા પર વાહન ચાલકોને રોજ મુશ્કેલીઓ પડવા સાથે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. બોરસદ પાલિકા દ્વારા બેદરકારીને કારણે લાખોની કિંમતના ભૂંગળા હાલ રોડ ઉપર ધૂળ ખાવા સાથે લોકોની હાલાકી વધારી રહ્યા છે.