દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત
કાર ઝાડ અને થાંભવા સાથે અથડાયા બાદ રોડ નજીક કાંસમાં ખાબકી ઃ પાંચ ઘાયલ

વડોદરા, તા.21 સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા સાત મિત્રો પરત બહાદરપુર જતા હતા ત્યારે મોડી રાત્રે તેમની અર્ટિગા કાર ઝાડ અને થાંભલા સાથે અથડાયા બાદ રોડ નજીકના કાંસમાં પલટી મારતા વડોદરા વાઘોડિયારોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી બે યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ મિત્રોને ઇજા થઇ હતી.
સંખેડામાં બહાદરપુરમાં રહેતા ભાર્ગવ મહેશ અમીને ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાઘોડિયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરું છું. તા.૨૦ના રોજ દિવાળીના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી મિત્રો સાથે ફટાકડા ફોડયા હતાં અને ત્યારબાદ સાડા બાર વાગે હું તેમજ મારા મિત્રોને ચા પીવાની ઇચ્છા થતાં વ્રજ રાજેન્દ્ર શાહ (રહે.ભક્તિનગર, વાઘોડિયારોડ, વડોદરા)ની અર્ટિગા કારમાં બેસી ડભોઇ વેગા ચોકડી આવ્યા હતાં.
રાત્રે ચા-નાસ્તો કર્યા બાદ રાત્રે એક વાગે બહાદરપુર પરત જવા માટે નીકળ્યા હતાં. આ વખતે ગાડી વ્રજ ચલાવતો હતો. અમે સીમળીયા ગામેથી થોડે આગળ જતા સામેથી આવતી એક ગાડીના કારણે વ્રજે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રોડની સાઇડમાં લોખંડના થાંભલા તેમજ સમડાના ઝાડ સાથે અથડાઇને કાંસમાં પલટી મારી હતી. આ ઘટનામાં મને તેમજ અન્ય મિત્રોને ઇજા થઇ હતી જ્યારે ચાલક વ્રજ શાહ અને અન્ય મિત્ર દર્પણ ઉર્ફે રવિ સુરેશ વાળંદનું મોત નિપજ્યું હતું.
મૃતક અને ઇજાગ્રસ્તોના નામો
મૃતકના નામ
- વ્રજ રાજેન્દ્ર શાહ (રહે.ભક્તિનગર, વાઘોડિયારોડ, વડોદરા)
- દર્પણ ઉર્ફે રવિ સુરેશ વાળંદ (રહે.બહાદરપુર, તા.સંખેડા)
ઇજાગ્રસ્તોના નામ
- ભાર્ગવ મહેશ અમીન (રહે.બહાદરપુર)
- આકાશ જગદીશ મોચી (રહે.બહાદરપુર)
- રોહન યશપાલ પંડિત (રહે.બહાદરપુર)
- જૈનીલ કાલીદાસ દેસાઇ (રહે.બહાદરપુર)
- જય સંજય શાહ (રહે.બહાદરપુર)
સામેથી આવતી ગાડીની લાઇટમાં આંખો અંજાઇ અને અકસ્માત સર્જાયો
બહાદરપુરમાં રહેતા યુવાન મિત્રો ત્યાંથી ડભોઇ વેગા ચોકડી પાસે મોડી રાત્રે ચા-નાસ્તો કરવા આવ્યા હતા અને પરત જતી વખતે ડભોઇ-બોડેલી માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગાડી વ્રજ ચલાવતો હતો અને સીમળીયા પાસે આવતા સામેથી આવતી એક ગાડીની લાઇટથી વ્રજની આંખો અંજાઇ ગઇ હતી અને તેને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
પાંચ મિત્રો એકબીજાના સહારે ગાડીમાંથી ઇજાગ્રસ્ત બહાર આવ્યા
ડભોઇ-બોડેલી હાઇવે પર અકસ્માતના પગલે અર્ટિગા કાંસમાં પલટી મારી હતી. જેમાં સૌપ્રથમ અંદરથી ભાર્ગવ બહાર નીકળ્યો હતો અને બાદમાં તેણે મિત્ર જૈનીલને ગાડીમાંથી બહાર કાઢ્યો હતો જ્યારે બંનેએ ભેગા મળીને ગાડીમાં ફસાયેલા આકાશ, રોહન અને જયને બહાર કાઢ્યા હતાં.