Get The App

અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત જોવા ઉભેલા ટોળાને એક્ટિવા ચાલકે અડેફેટે લેતાં 3ને ઇજા

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદના એસજી હાઇવે પર અકસ્માત જોવા ઉભેલા ટોળાને એક્ટિવા ચાલકે અડેફેટે લેતાં 3ને ઇજા 1 - image


Hit And Run SG Highway: અમદાવાદ સહિત રાજ્યભરમાં હિટ એન્ડ રનના અકસ્માતો સતત વધી રહ્યા છે. ત્યારે બુધવારે રાત્રે વધુ પેલેડિયમ મોલ પાસે આવેલા બ્રિજ વધુ એક અકસ્માત સર્જાયો છે. બાઇક પર સવાર યુવકને કારે ટક્કર મારતાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા બ્રિજ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક્ટિવા ચાલક ઘૂસી જતાં અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજા પહોંચતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ભાટીયા નામનો યુવક બાઇક લઇને પેલેડિયમ મોલ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા કાર ચાલકે યુવકને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. અકસ્માત સર્જાતા બ્રિજ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ સમયે થલતેજ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલા એક્ટિવા ચાલકે અક્સ્માત જોવા ઉભેલા ત્રણ ચાર લોકોને અડફેટે લીધા હતા અને નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેને લઇને ટ્રાફિક પોલીસે  હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે. 

ઉલ્લેખનીય છે કે 20 જુલાઇ 2023ના રોજ તથ્ય પટેલ નામના યુવકે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભેલા 9 લોકો કચડી નાખ્યા હતા. આ અકસ્માતના ખૂબ ચર્ચામાં રહ્યો હતો. 

બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત

પહેલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.

Tags :