Gujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત

By GS TEAM
13 Sep 20251 min read
TukuTouch Logo
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેરોલ ગામ નજીક ટ્રકનું પંચર ચેક કરી રહેલ ડ્રાઇવર અને કંડકટરને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, પંચર ચેક કરતાં ડ્રાઈવર-કંડક્ટરનું અજાણ્યા વાહનની અડફેટે મોત

Bharuch Accident : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેરોલ ગામ નજીક ટ્રકનું પંચર ચેક કરી રહેલ ડ્રાઇવર અને કંડકટરને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ બંનેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ટ્રાન્સપોર્ટ સંચાલકની ફરિયાદના આધારે ભરૂચ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા ખાતે રહેતા મિનેશકુમાર પટેલ મહાકાલી રોડવેઝ નામથી ટ્રાન્સપોર્ટ ધરાવે છે. તેમના આઇસર ટ્રકમાં ડ્રાઇવર તરીકે આરીફશા મસ્તાનશા દિવાન (રહે-વડનગરી ઝૂંપડપટ્ટી ,ખંભાત) અને કંડકટર તરીકે જુબેરૂદ્દીન સિરાજુદ્દીન કાઝી (રહે-લાલ માંડવા, કપડવંજ) કામ કરતા હતા.

ગઈકાલે મળસ્કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી ભરૂચ તરફના માર્ગ ઉપર દેરોલ ગામ પાસે તેમના ટ્રકમાં ટાયર પંચર થતા ડ્રાઇવર અને કંડકટર બંને ટ્રક રસ્તાની સાઈડ પર ઉભી રાખી ચેક કરી રહ્યા હતા. તે વખતે વડોદરા તરફથી ઘસી આવેલ અજાણ્યા વાહન ચાલક બંનેને અડફેટે લઈ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર અને કંડકટરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન સ્થળ પર પહોંચેલી 108 એમ્બ્યુલન્સના તબીબે બંનેને મૃત જાહેર કરતા મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.