Gujarat

બપોરે અટલ બ્રિજ પર પૂરઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા અકસ્માત

By GS TEAM
5 Oct 20252 mins read
બપોરે અટલ બ્રિજ પર પૂરઝડપે જતી કારે મોપેડને ટક્કર મારતા અકસ્માત

વડોદરા,અટલ બ્રિજ પર આજે બપોરે પૂરઝડપે જતી કારે આગળ મોપેડ પર જતી યુવતીને ટક્કર મારી હતી. મોપેડ આગળ જતા ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત થયો હતો. ઇજા થતા બેભાન થઇ ગયેલા  કાર ચાલક અને મોપેડ ચાલક યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકોટા વિસ્તારમાં રહેતો ૪૧ વર્ષનો મધુર રામપ્રકાશ વ્યાસ આજે પોતાની કાર લઇને અટલ બ્રિજ પરથી બપોરે જઇ રહ્યો હતો. પૂરઝડપે જતી કારના સ્ટિયરિંગ  પરથી તેણે કાબૂ ગુમાવતા કાર  આગળ મોપેડ લઇને જતા અંજલિ ભોલાભાઇ નામની યુવતીને પાછળથી અથડાઇ હતા. મોપેડ ચાલક યુવતી ફંગોળાઇને નીચે  પડી હતી. તેનું મોપડે આગળ કચરો ભરીને જતા  ટ્રેક્ટર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે,  કાર ચાલક મધુર બેભાન થઇ ગયો હતો. જ્યારે મોપેડ ચાલક યુવતી અંજલિને ડાબી ભ્રમર પર ઇજા થઇ હતી. તેમજ તેનો દાંત  પણ તૂટી  ગયો હતો. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કાર ચાલકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં  શિફ્ટ કરવામાં આવ્યો છે. કાર ચાલક શેરબજારનું કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે. મોપેડ ચાલક યુવતીની  ફરિયાદના આધારે ગોરવા  પોલીસે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતના પગલે અટલ બ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો

 વડોદરા,

અટલ બ્રિજ પર અવાર - નવાર અકસ્માત થાય છે. આજે બપોરે ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. એકતરફ ઇજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવાની દોડધામ  હતી. ત્યારે બીજી તરફ અકસ્માતના પગલે અટલ બ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે  દોડી ગયો હતો. ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોને હટાવી પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો  હતો.