ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત
આગળ જતી ટ્રકે સાઇડ લાઇટ વગર અચાનક ટ્રેક ચેન્જ કરતા કાર ટ્રકની પાછળ ઘૂસી ગઇ

વડોદરા, તા.26 મહારાષ્ટ્રના પુણેથી ગિરનાર ખાતે દર્શન માટે જતા ચાર મિત્રોની કારને વડોદરા નજીક મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડતા બે મિત્રોના સ્થળ પર કરૃણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બે મિત્રોને ઇજા થઇ હતી.
પુણેમાં ધાનોરી ખાતે ગંગાનિવાસ હાઉસિંગ સોસાયટીમાં રહેતા પ્રશાંત હરિશચન્દ્ર સાબણેએ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૪ના રોજ સાંજે ચાર વાગે હું તેમજ મારા પુણેમાં રહેતા મિત્રો સંગ્રામ સાહુલ ભોંસલે (ઉ.વ.૩૮), સાગર ભાવસાહેબ મહને (ઉ.વ.૩૬) અને રાહુલ ગુંડુ માને (ઉ.વ.૩૮) ચારે જૂનાગઢ ખાતે ગિરનારમાં દર્શન કરવા માટે કાર લઇને નીકળ્યા હતાં.
કાર હું ચલાવતો હતો. ભરૃચ બાદ અમે મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે પર આવ્યા હતા અને બીજા દિવસે વહેલી સવારે સવા પાંચ વાગે વડોદરા નજીક પાટોદ ગામ પાસેથી પસાર થતી વખતે આગળ જતી એક ટ્રકે સાઇડ લાઇટ કે ઇન્ડિકેટર બતાવ્યા વગર અચાનક ટ્રેક ચેન્જ કરતા મારી કાર ટ્રકની પાછળ અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની સીટ પર બેસેલ મારા બંને મિત્રો રાહુલ તેમજ સાગરના મોત નિપજ્યા હતાં જ્યારે મને તેમજ મારી સાથેની સીટ પર બેસેલ સંગ્રામને ઇજા થઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક લઇને ફરાર થઇ ગયો હતો. જ્યારે સીસીટીવીના આધારે અકસ્માત માટે નિમિત્ત બનનાર ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

