Get The App

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થતા ત્રણના મોત

ગામના લોકો નદીના ઘાટ પર ઉમટી પડયા ઃ ભારે જહેમત બાદ બે કલાકે ત્રણેના મૃતદેહો મળ્યા

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં   નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થતા ત્રણના મોત 1 - image

રાજપીપળા તા.૨૬ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે રાત્રે કેવડિયા કોલોનીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વર ગામ પાસે નર્મદા નદીના ઘાટના કામ દરમિયાન ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિક શ્રમજીવી યુવાનોના દબાઇ જતા મોત નિપજવાથી કરુણાંતિકા સર્જાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ તા.૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી થવાની હોવાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ આસપાસ થઈ રહેલા કામોને વેહલી તકે પૂરા કરવા તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે. નર્મદા નદીના ઘાટની પણ નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી દરમિયાન આજે ઢળતી સાંજે અચાનક ભેખડ ધરાશાયી થતા અકતેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતાં.

ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું  હતું. લગભગ બે કલાકની રેસ્ક્યૂ કામગીરી બાદ ત્રણેય શ્રમિકોની લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ અકતેશ્વર ગામના લોકો ઉમટી પડયા હતા અને આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધી એની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

સૂત્રો પાસેથી મળતી  માહિતી મુજબ  વરસાદને પગલે ભેખડ અચાનક ધરાશાયી થતા આ ગમખ્વાર ઘટના બની હતી જો કે આ મુદ્દે હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાણકારી મળી નથી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતાં કે વરસાદ બંધ થયા બાદ કામગીરી ચાલુ કરી હોત તો આ ઘટના ઘટી ન હોત.  

મૃતકોના નામ

- રોહિત રણછોડ તડવી (ઉં.વ.૪૫)

- દીપક ભાણા તડવી (ઉં.વ.૪૦)

- શૈલેષ કનુ તડવી (ઉં.વ.૩૭)


Tags :