Get The App

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા 1 - image

- જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

- અકસ્માત મામલે જે-તે વિસ્તારની પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

નડિયાદ : ખેડા જિલ્લામાં નડિયાદ-પીજ રોડ નેહર ઉપર, કંજોડા પાટિયા સહિત જુદા જુદા ચાર સ્થળે અકસ્માત સર્જાયા હતા. આ અકસ્માતના ચાર બનાવમાં પાંચને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદ તાલુકાના ટુંડેલમાં રહેતા કેતનભાઇ ડાયાભાઈ તળપદા તેમની પત્ની રોશનીબેન અને દીકરાને મોટર સાયકલ પર બેસાડી સંત અન્ના વિસ્તારમાં સાસરીમાંથી ટુંડેલ જઈ રહ્યાં હતા. તેઓ પીજ રોડ નહેર નજીકથી પસાર થતા હતા, ત્યારે એક્ટિવા લઈને આવતી મહિલાએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર ત્રણે રોડ ઉપર પડી જતા રોશનીબેનને ઈજા થઈ હતી. આ બનાવ અંગે રોશનીબેન કેતનભાઇ તળપદાની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં નડિયાદ તાલુકામાં પાલૈયા ગણેશપુરામાં રહેતા ખોડાભાઈ શંકરભાઈ સોલંકી મંજીપુરા મનપાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે તેઓ તા.૧૬મીના રોજ બપોરે બુલેટ લઇ કંજોડા બેંકમાં કામ હોવાથી નડિયાદ ડાકોર રોડ કંજોડા પાટિયા રોડ ક્રોસ કરી કટ તરફ બુલેટ લઈને ઊભા હતા, ત્યારે ડાકોર તરફથી પુરઝડપે આવેલ ફોરવીલ ગાડીએ ટક્કર મારતા ખોડાભાઈ સોલંકીને ઇજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં નડિયાદ તાલુકાના ચકલાસી સરતાન પુરામાં રહેતા અમરસિંહ ભીખાભાઈ વાઘેલાનો દીકરો હિતેશ સ્કૂલમાંથી છૂટી ચાલતો ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ચકલાસી નાસ્તાની દુકાન આગળ અલ્ટો ગાડીએ ટક્કર મારતા હિતેશ (ઉં.વ.૧૫)ને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતના ચોથા બનાવમાં લુણાવાડા તાલુકાના નમનાર ગાંધીપુરામાં રહેતા ઈશ્વરભાઈ બારૈયા આઇસર ગાડીમાં મીતલી તારાપુરથી ઘાસના ગઠ્ઠા ભરી પરત જઈ રહ્યાં હતા. આ દરમિયાન મહેમદાવાદ ખાત્રજ ચોકડીથી કઠલાલ તરફ જતા હતા ત્યારે અકલાચા રોડ રીછોલ નજીક કઠલાલ તરફથી આવતી આઇસર ગાડી આગળ જતી વેગનારને ટક્કર આઇસર સાથે અથડાવી પલટી ખાઈ ગઈ હતી. જેથી આઇસરમાં બેઠેલા ઈશ્વરભાઈ બારૈયા અને નરેશભાઈને ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે આઇસર ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.