Gujarat

નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા

By GS TEAM
26 Dec 20252 mins read
નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા

જિલ્લામાં અકસ્માતની વણઝાર

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, અકસ્માત મામલે જે-તે વિસ્તારના પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ: નડિયાદ-મહુધા રોડ પર બિલોદરા પાટિયા પર બે બાઈક અથડાતા બંને બાઈક ચાલક સહિત ત્રણને ઇજા થઈ હતી. જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે નડિયાદ એક્ઝિટ નજીક ઉભેલી ટ્રક પાછળ કાર અથડાતા કારમાં સવાર ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નડિયાદ તાલુકાના જુના બિલોદરામાં રહેતા જસભાઇ આશાભાઈ ડાભી બુધવારે સાંજે ઘરેથી બાઈક લઈને દૂધની ડેરીએ દૂધ લેવા જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરવાનો હોવાથી રોડની સાઈડમાં ઊભા હતા. ત્યારે નડિયાદ તરફથી આવેલું બાઈક તેમના બાઈક સાથે અથડાયું હતી. જેથી બંને બાઈક ચાલક તેમજ અકસ્માત સર્જનાર બાઈક ચાલક પાછળ બેઠેલ વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જસભાઈ આશાભાઈ ડાભીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં વડોદરામાં રહેતા સાગરચંદ્ર નગીન પ્રસાદ પંડયાના પરિવારજનો તેમજ સંબંધીઓ અયોધ્યા ગયા હતા. તેઓ તા.૧૭મીની રાત્રે અયોધ્યાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી બે ગાડીમાં વડોદરા જઈ રહ્યાં હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ એક્ઝિટ નજીક ઊભેલી ટ્રક પાછળ કાર અથડાતા ગાડીમાં બેઠેલા દક્ષાબેન ધીરજભાઈ પટેલ (ઉં.વ. ૬૭), પલ્લવીબેન સાગર ચંદ્ર પંડયા તેમજ ભાવનાબેન કલ્પેશભાઈ શાહ (ઉં. વ. ૬૬) (રહે.આણંદ, હાલ યુએસએ)ને ઈજા થતા ૧૦૮માં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સાગરચંદ્ર નગીનપ્રસાદ પંડયાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે કાર ચાલક દેવ અનિમેશ ભાટિયા સામે ગુનો નાંેધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.