Gujarat

નર્મદા સ્નાન માટે જતા અકસ્માત પિતાનું મોત, પત્ની અને પુત્રને ઇજા

By GS TEAM
15 Jun 20251 min read
નર્મદા સ્નાન માટે જતા અકસ્માત પિતાનું મોત, પત્ની અને પુત્રને ઇજા

વડોદરા, તા.15 કરજણ તાલુકાના મેથી ગામ પાસે બે સ્કૂટર સામસામે અથડાતા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા આધેડનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્ની, પુત્ર સહિત ત્રણને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના હરણી-સમા લિંકરોડ પર આવેલ મોટનાથ રેસિડેન્સીમાં રહેતા ડો.અંકિત કનુભાઇ નિઝામા તેમની પત્ની રુચા અને કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી સામે દિપીકા સોસાયટીમાં રહેતા સસરા લક્ષ્મીકાંત ગોવિંદભાઇ રાજપૂત (ઉ.વ.૫૭), સાસુ જ્યોતિબેન અને સાળો પ્રિયંક ગઇકાલે વડોદરાથી નીકળી રણાપુર ગામે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે જતા હતાં.

ડો.અંકિત અને તેમના પત્ની પોતાના એક્ટિવા પર હતા જ્યારે સાસુ, સસરા તેમજ સાળો બીજા એક્ટિવા પર હતાં. બંને કરજણ તાલુકાના મેથી ગામ પાસેથી સીમળીરોડ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક સામેથી પૂરપાટઝડપે આવતા અન્ય એક એક્ટિવાએ પ્રિયંકના એક્ટિવાને જોરદાર ટક્કર મારતા બંને એક્ટિવા પર સવાર તમામ નીચે પટકાયા હતાં. 

દરમિયાન એમ્બ્યુલન્સ મારફત કરજણ  ખાતેની હોસ્પિટલમાં ખસેડતા લક્ષ્મીકાંતભાઇનું મોત નિપજ્યું  હોવાનું જાહેર તબીબોએ કર્યુ હતું જ્યારે તેમનો પુત્ર અંકિત, પત્ની જ્યોતિબેન તેમજ અકસ્માત કરનાર બીજા વાહનનો ચાલક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ડો.અંકિતની ફરિયાદ મુજબ કરજણ પોલીસે અકસ્માત કરનાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.