Bharuch Accident : ભરૂચના દયાદરા ગામ પાસે ઓવરટેક કરવા જતા બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યા હતા. જ્યારે બાઈક સવાર અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા ચારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે રહેતા મહમદસોબાન સાજીદ ખુજીએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે બપોરે મારા પિતા સાજીદ ભાઈ તથા પિતરાઈ ભાઈ મોહમ્મદઆસિફ મુસ્તાક ભરૂચ તેઓના કામ અર્થે બાઈક લઈ જઈ રહ્યા હતા. તે વખતે દયાદરા ગામ પાસે સામેથી એક બાઈક ચાલક ઓવરટેક કરવા જતા મારા પિતરાઈ ભાઈની બાઈક સાથે સામેથી ટક્કર થઈ હતી. જેમાં મારા પિતાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બાઇક ચાલક મોહમ્મદ આસિફ અને અન્ય બાઇક ચાલકને ટૂંકી સારવાર દરમ્યાન તબીબે મૃત જાહેર કર્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ઓવરટેક કરી અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


