Get The App

આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત 1 - image

- જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ

- આણંદ શહેર અને ખંભાત ગ્રામ્ય પોલીસે બંને અકસ્માત મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

આણંદ : આણંદ જિલ્લામાં વીતેલા દિવસો દરમિયાન માર્ગ અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. શહેરના એપીસી સર્કલ નજીક અને ખંભાત તાલુકાના બામણવા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલા એપીસી સર્કલ નજીક સોમવાર સાંજના સુમારે ૮૦ ફૂટ રોડ તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલા એક ડમ્પરના ચાલકે અજાણ્યા યુવકને અડફેટે લેતા અજાણ્યો યુવક ડમ્પરના પાછળના ટાયર નીચે આવી જતા શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ગવાયેલ અજાણ્યા યુવકને તુરંત જ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અજાણ્યા ૩૫થી ૪૦ વર્ષના યુવકનું કરુણ મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અકસ્માતના બીજા બનાવમાં પેટલાદ શહેરના ખોડીયાર માતાની ભાગોળ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મણીભાઈ પ્રજાપતિ ના મોટાભાઈ દિલીપભાઈ ગત રવિવારના રોજ પોતાના બાઈક ઉપર પત્ની જયશ્રીબેન ને લઈને ખંભાત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા સાંજના સુમારે ૫૨ વર્ષીય દિલીપભાઈ પ્રજાપતિ ખંભાતથી બાઈક ઉપર પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન ખંભાતથી ધર્મજ જતા હાઇવે ઉપર આવેલ બામણવા ગામ નજીક આગળ જઈ રહેલ એક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ધડાકા ભેર ઘૂસી જતા દિલીપભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત થયું હતું. જ્યારે પત્ની જયશ્રીબેનને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.