રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા
વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કાર આગળ જતી બોલેરો પીકઅપ સાથે અથડાતા રક્ષાબંધન કરવા જતા પતિ પત્નીનું કરુણ મોત નિપજ્યું હતુ જ્યારે પુત્રને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેરના બિલ કેનાલ રોડ ઉપર રહેતા વિશાલ ભરત મિસ્ત્રી ઉંમર વર્ષ 41 તેની પત્ની ચૈતાલી ઉંમર વર્ષ 38 અને પુત્ર કિયાન ઉંમર વર્ષ 12 ત્રણે ગઈકાલે સવારે પોતાની કાર લઈને સુરત ખાતે રહેતી બહેનના ઘેર રક્ષાબંધન કરવા માટે જતા હતા. તેઓ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હતા તે વખતે સરસવણી ગામ નજીક આગળ જતા એક વાહનને ઓવરટેક કરતી વખતે આગળ જતી બોલેરો પીકઅપ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. ઇજાગ્રસ્તો વિશાલ, તેની પત્ની ચૈતાલી અને પુત્ર કિયાનને પાદરા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં વિશાલ અને તેની પત્ની ચૈતાલીનું મોત નીપજ્યું હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત કિયાનને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.