Get The App

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવાથી એકનું મોત

ડમ્પરમાં ભરેલા પથ્થરો રોડ પર પથરાયા ઃ ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ  ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવાથી એકનું મોત 1 - image

પાદરા તા.૭ પાદરા નજીક મહાકાળી મંદિર પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા પથ્થર ભરેલ ડમ્પર પલટી જતા કંડક્ટર સાઇડ પર બેસેલ  અન્ય ડ્રાઇવરનું ડમ્પરની નીચે દબાઇ જતા કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે લાઇસન્સ વગર ડમ્પર ચલાવતા ચાલકને ગંભીર ઇજા થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા નજીક મહાકાળી મંદિર પાસેના વળાંક પાસેથી ગઇ મધરાત્રિએ પસાર થતા પથ્થર ભરેલા ડમ્પરના ચાલક પ્રદિપ વિનય વસાવા (રહે.રામપરા ફળિયું, જબુગામ, તા.વાલીયા, જિલ્લો ભરૃચ)ને ઝોકુ આવી જતા ડમ્પર પરનો કાબૂ ગુમાવતા ડમ્પર વળાંક પાસે પલટી ગયુ હતું. ડમ્પર પલટી જતા તેમાં ભરેલા પથ્થરો રસ્તા પર ફેલાઈ ગયા હતા, જેના કારણે માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પરમાં ફસાયેલા ચાલકને બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કંડક્ટર સાઇડના દરવાજા નીચે દબાઇ જવાથી માથું છુંદાઇ જવાથીે અન્ય ચાલક રાજીવ ઉર્ફે રાજુ ભગવાનદાસ વસાવા (રહે.રામપરા ફળિયું, જબુગામ, તા.વાલીયા, જિલ્લો ભરૃચ)નું સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગના એક ભાગને આંશિક રીતે બંધ કરીને વાહનોને વૈકલ્પિક માર્ગે દોર્યા હતા. ત્યારબાદ રસ્તા પર ફેલાયેલા પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પાદરા પોલીસે લાઇસન્સ વગર વાહન હંકારી અકસ્માત કરવા અંગે પ્રદિપ વસાવા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.