ધર્મિ સોસાયટીના એક ફલેટમાં બનેલી દુર્ઘટના, દૂધેશ્વરમાં ધાબુ,સીડી ધરાશાયી થતાં ૯ માસના બાળક સહિત ૧૬નો બચાવ

અમદાવાદ,મંગળવાર.17
જુન,2025
અમદાવાદમાં વરસાદી વાતાવરણની વચ્ચે દૂધેશ્વર વિસ્તારમાં
આવેલી ધર્મિ સોસાયટીના એક ફલેટમાં મંગળવારે ધાબા ઉપરાંત સીડી તથા જર્જરીત ઈમારતનો
કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો.આ ઘટનાને પગલે
રહીશોના જીવ ઉચાટમાં મુકાયા હતા.સીડી તૂટી પડતા બીજા માળના રહીશો તેમના
ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા એક કલાકની જહેમત પછી ૯ મહિનાના બાળક સહિત કુલ ૧૬ લોકોને વિભાગ
દ્વારા સલામત નીચે ઉતારી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો.ધનાસુથારની
પોળમાં આવેલા જર્જરીત મકાનનો કેટલોક ભાગ
તૂટી પડયો હતો. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહતી.
અમદાવાદમાં વરસાદના
આગમન સાથે જ દૂધેશ્વર વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલી ધર્મિ સોસાયટીમાં
ગ્રાઉન્ડ ફલોર સાથે કુલ ત્રણ માળના ફલેટ આવેલા છે. સવારના ૧૧.૧૫ કલાકના સુમારે
ધડાકાભેર ધાબા ઉપરાંત સીડી ધરાશાયી થવાની સાથે જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ પણ તૂટી
પડતા રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. દરમિયાન નજીકમાં જ આવેલા શાહપુર ફાયર
સ્ટેશનથી તાત્કાલિક બચાવ ટીમનેઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી માટે મોકલી દેવાઈ
હતી.સ્ટેશન ઓફિસર ઉપરાંત ડીવીઝનલ ફાયર ઓફિસર સહિત ફાયર જવાનોએ બીજા માળ ઉપર
ફસાયેલા રહીશોને ફાયર વિભાગની સીડીની
મદદથી સલામત રીતે નીચે ઉતારી લેતા રહીશોએ હાંશકારો અનુભવ્યો હતો.બીજી તરફ શહેરના
રીલીફ રોડ ઉપર આવેલી ધનાસુથારની પોળમાં આવેલા એક જર્જરીત મકાનનો કેટલોક ભાગ બપોરના ત્રણના સુમારે તૂટી પડતા રહીશોએ ફાયર
વિભાગને જાણ કરતા તૂટી પડેલા મકાનનો ભાગ દુર કરાયો હતો.
સલામત ઉતારાયેલાઓમાં કોણ-કોણ
૧.કાજલબહેન સુથાર,
ઉં.વર્ષ-૨૩
૨.શબનમ બાનુ મેમણ,
ઉં.વર્ષ-૩૬
૩.જૈતુનબીબી મેમણ,
ઉ.વર્ષ-૭૦
૪.અશોકભાઈ વર્મા,
ઉં.વર્ષ-૪૫
૫.હાર્દિકભાઈ વર્મા,
ઉં.વર્ષ-૨૩
૬.ખુશી વર્મા,
ઉ.વર્ષ-૨૦
૭.રીન્કી વર્મા,
ઉ.વર્ષ-૪૧
૮.રેહાન અકબર,
ઉ.વર્ષ-૨૨
૯.ફરહાન અકબર,
ઉ.વર્ષ-૦૭
૧૦.સકીના અકબર,
ઉ.વર્ષ-૩૦
૧૧.મહોમ્મદ મેમણ,
ઉ.વર્ષ-૧૬
૧૨.મુસ્કાનબાનુ શેખ,
ઉ.વર્ષ-૨૫
૧૩.સનાબાનુ શેખ,
ઉ.વર્ષ-૧૭
૧૪.સમાબાનુ શેખ,
ઉં,વર્ષ-૨૨
૧૫.મુસ્તકીમ શેખ,
ઉ,વર્ષ-૨૫
૧૬.મહોમ્મદ અયાન,
ઉ.વર્ષ-૦૯ મહીના
રથયાત્રાના રૃટ ઉપર ૫૧૩ ભયજનક મકાન અંગે નોટિસ અપાઈ
૨૭ જુને નીકળનારી પરંપરાગત રથયાત્રા
અગાઉ રથયાત્રાના રૃટ ઉપર ખાડિયા,
જમાલપુર, શાહપુર, દરિયાપુર જેવા
વિસ્તાર ઉપરાંત સરસપુર વિસ્તારમાં આવેલા ભયજનક મકાન અને તેના ભયજનક ભાગનો સર્વે
કરી કુલ ૫૧૩ ભયજનક મકાન ઉતારી લેવા માટે
એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટી.પી.કમિટી ચેરમેન પ્રિતીશ મહેતાએ કહયુ,
બંને ઝોનમાં ૧૩૦૮ મકાનને ચેતવણી નોટિસ અપાઈ છે. આ મકાનમાં
કયાંક ગેલેરી તો કયાંક ધાબાનો ભાગ ભયજનક છે. આવા મકાનમાં વધુ લોકોએ ભેગા નહીં
થવાની ચેતવણી આપતી નોટિસ અપાઈ છે. આ ઉપરાંત
ભયજનક મકાન પૈકી ૧૯૦ મકાનના પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે.








