માંજલપુરમાં નશામાં ધૂત બસ ચાલકની બેદરકારીથી અકસ્માત, સદ્નસીબે માતા-પુત્રનો બચાવ
બસ ચાલકે કહ્યું થોડું પીધું છે, પોલીસે ચાલકની અટકાયત કરી
શહેરમાંફરીથી નશીલી રફ્તારનો કહેર

તાજેતરના રક્ષિતકાંડ બાદ જાણે શહેરમાં બેદરકાર અને નશામાં ધૂત ચાલકોનો આતંક યથાવત રહ્યો છે. આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારની શ્રેયસ્ શાળા ત્રણ રસ્તા પાસે આજે રાત્રે નશામાં ધૂત બસ ચાલકે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં કારને નુકસાન થયું હતું. જોકે કારમાં સવાર માતા-પુત્રના જીવ સદ્દનસીબે બચી ગયા હતા.

કારચાલક ચાંદનીબેનના જણાવ્યા મુજબ તેઓ ટ્રાફિક સિગ્નલ ખુલવાની રાહ જોઈ કારને સ્ટોપ લાઈન પર ઉભી રાખી હતી. તે દરમ્યાન પાછળથી પુરઝડપે આવી રહેલી બસે અચાનક તેમની કારને ધડાકાભેર અડફેટે લીધી હતી. ટક્કરની અસર એટલી જોરદાર હતી કે કારનો પાછળનો ભાગ દબાઈ ગયો હતો. ચાંદનીબેને વધુમાં જણાવ્યું કે, અકસ્માત બાદ બસ ચાલકના મોઢામાંથી તીવ્ર વાસ આવતી હતી અને તેની બોલચાલ પણ સ્પષ્ટ ન હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બસ ચાલક ધર્મેશની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બસ ચાલકે સ્વીકાર્યુ ક, તેણે થોડું પીધું હતું અને ટ્રાફિક સિગ્નલ નજીક કાર ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત થયો હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ તાજેતરમાં નશામાં વાહન ચલાવનારા સામે ખાસ ઝુંબેશ ચલાવી ૪૦થી વધુ નશેબાજ ચાલકોને ઝડપ્યા હતા. તેમ છતાં આવા બનાવો અટક્તા ન હોઈ શહેરમાં ચિંતા ફેલાવી રહ્યા છે. લોકો વધુ સખ્ત કાર્યવાહી અને સતત ચેકિંગની માગ કરી રહ્યા છે.

