Gujarat

વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર મારી

By GS TEAM
23 Dec 20252 mins read
વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર મારી

વડોદરાઃ વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી લેવાના બનાવમાં બગોદરા પોલીસે વડોદરામાં આવી આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીએ લૂંટ માટે ઉપયોગમાં લીધેલી કારની બ્રેક નહિ હોવાથી ફતેગંજમાં બે વાહનને ટક્કર વાગી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ગોત્રી વિસ્તારમાં રહેતા મૂળ સુરેન્દ્ર નગરના જય પરેશભાઇ ગઇ તા.૨૧મીએ પત્ની સાથે કારમાં સુરેન્દ્રનગર જઇ રહ્યા હતા ત્યારે રાત્રે આઠેક વાગે બગોદરાથી બે કિમી પહેલાં કાળા રંગની સ્કોર્પિઓ કારમાં બે થી ત્રણ જણા આવ્યા હતા અને જયભાઇની કારને અડીને કાર ચલાવી હતી.

રસ્તાની બીજી બાજુ ડિવાઇડર હોવાથી જયભાઇની કાર સાથે સ્કોર્પિઓની ટક્કર વાગી હતી અને અંદરથી એક શખ્સ નીચે ઉતરી ગાડી કેમ અથાડી તેમ કહીને જયભાઇને માર મારતાં ઇજાઓ થઇ હતી.ત્યારબાદ બંને પતિ-પત્નીને નીચે ઉતારી ગઠિયો કાર લઇ ફરાર થઇ ગયો હતો.કારમાં બે મોબાઇલ અને રોકડા  રૃ.૮હજાર હતા.દંપતી ખાનગી વાહનમાં બગોદરા પોલીસ સ્ટેશને જઇ પીઆઇ ઉપેન્દ્ર જોગરાણા સમક્ષ ફરિયાદ કરી હતી.

પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું અને વડોદરામાંથી તેને દબોચી લઇ લૂંટમાં વપરાયેલી સ્કોર્પિઓ કાર લઇને પોલીસ ગઇરાતે પરત ફરી રહી હતી.આ વખતે કારની  બ્રેક કાઢી નાંખી હોવાથી આ કારે બે વાહનને ટક્કર મારી હતી.જેથી ટોળું ભેગું થઇ ગયું હતું અને ઉગ્ર  બોલાચાલી પણ થઇ હતી.લોકોએ પોલીસ પાસે આઇકાર્ડ માંગ્યું હતું અને ત્યારબાદ સ્થિતિ થાળે પડતાં પોલીસ આરોપી અને કાર લઇને રવાના થઇ હતી.આરોપીની ઓળખપરેડ બાદ તેનું નામ જાહેર કરાશે.