Gujarat

ભાવનગર-ધોલેરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, દસ ઘાયલ

By GS TEAM
6 Oct 20252 mins read
ભાવનગર-ધોલેરા હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, દસ ઘાયલ

- ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી ખાઈ ગઈ

- બંને લકઝરી બસ સુરતથી ભાવનગર આવતી હતી ત્યારે હેબતપુર એક અકસ્માત સર્જાયો

ધંધુકા : ધોલેરા-ભાવનગર હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે સવારે ફરી એકવાર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. તમામ ઇજાગ્રસ્તને ભાવનગરની અલગ અલગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ ગમખ્વાર અકસ્માતની વિગત એવા પ્રકારની છે કે, ભાવનગર ધોલેરા માર્ગ પર છાશવારે અકસ્માતોની વણજાર સર્જાઈ રહી છે ત્યારે ભાવનગર ધોલેરા રોડ પર આવેલા હેબતપુર નજીક વધુ એક બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં સુરત થી ભાવનગર તરફ મુસાફર ભરીને આવી રહેલી નટરાજ ટ્રાવેલ્સની બસ નં.જીજે-૧૪-એક્સ-૯૯૦૩ ધોલેરા રોડ પર આવેલા હેબતપુર નજીક પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સ જીજે-૦૩-બીટી-૦૩૩૩ વચ્ચે જોરદાર ટક્કર થઈ જતા અકસ્માત સર્જાયો હતો અને નટરાજ ટ્રાવેલ્સ આખીયે પલટી ખાઈ ગઈ હતી અને થોડો સમય સુધી ધોલેરા રોડ પર મુસાફરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.અને બન્ને બસમાં સવાર મુસાફરોને ઈજા થઈ હતી આ ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ અને ધોલેરા પોલીસમાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઇજાગ્રસ્ત મુસાફરોને ભાવનગર સહિતની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દસ મુસાફરો પૈકી ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ સંદર્ભે વિજયસિંહ ભરતસિંહ ગોહિલે બદ્રીનાથ ટ્રાવેલ્સ બસના ચાલક વિરૂદ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.