જામનગર નજીક સમર્પણ બાયપાસ પાસે બે કાર સામસામે અથડાઈ જતાં ગોઝારો અકસ્માત: એક બુજુર્ગનું મૃત્યુ: એક બાળક સહિત અન્ય ચારને ઇજા
જામનગર નજીક સમર્પણ બાયપાસ સર્કલ પાસે પરમ દીવને મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી, જેમાં એક કાર 120 કી.મી.ની સ્પીડે આવીને ડિવાઇડર કુદાવી સામેથી આવી રહેલી મોરકંડા ગામના સતવારા પરિવારની કાર સાથે અથડાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે કારમાં બેઠેલા એક બુજુર્ગનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે, જયારે અન્ય એક બાળક અને મહિલા સહિત ચાર વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતા પ્રભુભાઈ મેઘજીભાઈ ચૌહાણ નામના વેપારી અને તેઓના પરિવારના અન્ય પાંચ સભ્યો કે જે તમામ લોકો તેઓના પિતા મેઘજીભાઈ માવજીભાઈ ચૌહાણ (ઉ.વ.85) અને પ્રભુલાલભાઈનો પુત્ર તેમજ બે પુત્ર વધુ અને એક છ માસનો બાળક વગેરે કારમાં બેસીને એક પ્રસંગમાં હાજરી આપવા માટે જીવાપર ગામે જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે 10 સી.એન. 4511 નંબરની આઈ. 20 કાર, કે જે પ્રતિ કલાકના 120 કિમીની ઝડપે ધસી આવી હતી. અને કાર ચાલકે તેમના પરથી કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલી સતવારા પરિવારની કાર સાથે ધડાકાભેદ અથડાઈ પડી હતી. જેથી ગોઝારો અકસ્માત સર્જા હતો.
જે અકસ્માતમાં મેઘજીભાઈ ચૌહાણ (85) નું ગંભીર ઇજા થવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જયારે કારમાં બેઠેલા દમયંતીબેન હિતેશભાઈ ચૌહાણ, વનીતાબેન જગદીશભાઈ ચૌહાણ, અને નૈતિક નામનો છ મહિનાનો બાળક કે જેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, અને તમામને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ અકસ્માતના બનાવ અંગે મૃતક મેઘજીભાઈના પુત્ર પ્રભુલાલભાઈ મેઘજીભાઈ ચૌહાણ એ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પીઆઇ વી.જે.રાઠોડ તેમજ સ્ટાફના ખીમભાઈજોગલ ચિરાગભાઈ, સહિતની ટુકડી બનાવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જયારે અન્ય ઓજાગ્રસ્તોની સારવારમાં મદદ કરી છે. ઉપરાંત અકસ્માત સર્જનાર કારનો ચાલક અકસ્માત બાદ પોતાની કાર માર્ગ પર રેઢી છોડીને ભાગી છુટ્યો હોવાથી તેની કાર કબજે કરી લેવાઇ છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.