બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ
બે બાઇક વચ્ચેના અકસ્માતમાં બે વર્ષની બાળકીને ઇજા
વડોદરા, તા.15 વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા ચોકડી પાસે બે બાઇક ધડાકાભેર સામસામે અથડાતા બંને બાઇકચાલકોના કરૃણ મોત નિપજ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના અંબાલી ગોવિંદપુરા ગામે રહેતા જયંતિભાઇ નાનાભાઇ ભીલનો પુત્ર કલ્પેશ (ઉ.વ.૩૧) આજે સવારે તેની પત્ની સંગીતાના પિયરમાં મરણ પ્રસંગમાં જવાનું હોવાથી તે પત્ની અને ૨ વર્ષની પુત્રી શિવાનીને બાઇક પર લઇને નીકળ્યો હતો. પત્નીને ગામના બસ સ્ટેન્ડ પર ઉતારી કલ્પેશ તેની પુત્રી સાથે ગામની દુકાન પર જવા નીકળ્યો હતો.
દરમિયાન રુસ્તમપુરા ત્રણ રસ્તા પાસેની ચોકડી નજીક સૈડાલ ગામ તરફથી પૂરપાટઝડપે આવતી અન્ય એક બાઇકે સામેથી કલ્પેશની બાઇકને ટક્કર મારતા બંને બાઇકના ચાલકો તેમજ બે વર્ષની શિવાની રોડ પર પટકાયા હતાં. આ સાથે જ લોકો ભેગા થઇ ગયા હતા અને તુરંત જ તમામને લીમડા ખાતેની હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં કલ્પેશનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું જ્યારે પુત્રીની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં સૈડાલ ગામના નયન પ્રવિણભાઇ પરમારનું પણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.