જરવલા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, હરિપુરાના 2 યુવકને ઇજા

પાટડી-વિરમગામ રોડ પરની ઘટના
ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પ્રથમ પાટડી અને બાદમાં વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા
સુરેન્દ્રનગર - પાટડી-વિરમગામ રોડ પર દસાડા તાલુકાના જરવાલા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકનેેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાટડી-વિરમગામ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ટ્રક સાથે અથડાતા બાઇક ચાલક અને અન્ય એક વ્યક્તિ રોડ પર પટકાયા હતા, જેના કારણે (૧) ખોડાભાઈ નવઘણભાઈ ઠાકોર (ઉં.વ.૨૩) (૨) ભેમજીભાઈ સોમાજી રાઠોડ (ઉં.વ. ૧૮) (બંને રહે.હરિપુરા, તા. દસાડા)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખોડાભાઈ ઠાકોરને માથા, પગ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ભેમજીભાઈ રાઠોડને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
પ્રથમ તબક્કે બંને ઇજાગ્રસ્તોને પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, બંનેની ગંભીર ઇજાઓને કારણે, પાટડી સરકારી હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.