- અમદાવાદ-વડોદરા હાઈવે પર 4 કિલોમીટર સુધી ટ્રાફિકજામ
- ઈજાગ્રસ્તોને આણંદ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મંગળવારે વહેલી સવારે નડિયાદથી આણંદ વચ્ચે આવેલા ફતેપુરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી ટ્રકે સવસ લાઈન પાસે ઉભેલી ત્રણ પિકઅપ વાનને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
નડિયાદથી આણંદ વચ્ચેના એક્સપ્રેસ હાઈવે પર ફતેપુરા પાસે ત્રણ પિકઅપ વાન સવસ લાઈન નજીક ઉભી હતી. આ સમયે અમદાવાદથી વડોદરા તરફ જતી એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઉભેલી પિકઅપ વાન પાછળ ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કરથી પિકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૨ વ્યક્તિને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી હતી.
આ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, વાહનો રસ્તા પર જ ફસાઈ જતા આશરે ૩થી ૪ કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો. હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ હાઈવે પર વાહનો ઉભા રાખવા જોખમી હોવા છતાં સવસ લાઈન પર ઉભેલા વાહનો પાછળ ટ્રક ઘૂસી જતા અનેક સવાલો ઉભા થયા છે.


