જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર બાઈક અને સ્કૂટર વચ્ચેના અકસ્માત : એક કારખાનેદારને ગંભીર ઇજા
Jamnagar Accident : જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર એક સ્કૂટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક કારખાનેદાર ઇજાગ્રસ્ત બન્યા છે, અને તેના પગની આંગળીઓ કપાઈ ગઈ છે. આ ઉપરાંત રાજકોટ હાઇવે રોડ ઉપર મોરકંડા ગામના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર બન્યો હતો. ત્યાંથી બાઈક પર નીકળી રહેલા બ્રાસ પાર્ટના કારખાનેદાર ઉપેન્દ્રભાઈ મોહનભાઈ પરમાર (ઉંમર વર્ષ 38) ના બાઈકની સાથે સામેથી આવી રહેલો જીજે-10 ડી.એસ. 8406 નંબરનું એક્સેસ સ્કૂટર ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઉપેન્દ્રભાઈ પરમારને નાની મોટી ઈજા થઈ હતી, અને તેઓને પગમાં ફેક્ચર થયું હતું. ઉપરાંત જમણા પગની બે આંગળીઓ કપાઈ ગઈ છે. જે અકસ્માતના બનાવવા અંગે એકસેસ સ્કૂટરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી બાઈક પર નીકળી રહેલા યુવરાજ દીપકભાઈ ભટ્ટી અને તેના પિતરાઈ ભાઈ વૈભવ કે જે બંનેના બાઇકને સામેથી આવી રહેલી જીજે 10 ઇ.સી. 1616 નંબરની કારના ચાલકે ઠોકરે ચડાવતાં બંને યુવાનો ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જ્યાં તેઓને ફ્રેકચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર લેવામાં આવી રહી છે, જ્યારે ટાંકા લેવા પડ્યા છે. આ અકસ્માતના મામલે કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.