સુરતમાં BRTS બસ-કોર્પોરેટરની કાર વચ્ચે અકસ્માત, પોલીસ ફરિયાદ ટાળી 'બંધ બારણે સમાધાન'
Surat Accident : સુરતના અમરોલી-કતારગામને જોડતા અમરોલી તાપી બ્રિજ પર એક અનોખો અકસ્માત ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે અકસ્માત થાય ત્યારે પોલીસ ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ આ કિસ્સામાં પાલિકાની BRTS બસ અને એક સ્વિફ્ટ કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ રહસ્યમય રીતે સમાધાન કરી લેવામાં આવ્યું હતું, કારણ કે અકસ્માતગ્રસ્ત કાર પાલિકાના એક મહિલા કોર્પોરેટરની હતી. પોલીસ ફરિયાદને બદલે 'બંધ બારણે સમાધાન' થતા આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિજ પર બેફામ દોડતી BRTS બસે સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કારના પાછળના ભાગે નોંધપાત્ર નુકસાન થયું હતું. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ BRTS બસ ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે સામે આવી હતી.
જોકે, આ મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મહિલા કોર્પોરેટરના પતિએ પોલીસ ફરિયાદ કરવાને બદલે BRTS બસ એજન્સીના સંચાલક સાથે બંધ બારણે સમાધાન કરી લીધું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ સમાધાનમાં મોટી રકમની લેવડદેવડ થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
પાલિકાની બસ દ્વારા પાલિકાના જ કોર્પોરેટરની કારને અકસ્માત થયો હોવા છતાં પોલીસ ફરિયાદ ન થતા, આ ઘટના પાલિકા વર્તુળો તેમજ સામાન્ય લોકોમાં ચર્ચાનો કેન્દ્ર બની છે. શું આ સમાધાન પાછળ કોઈ દબાણ હતું કે પછી અન્ય કોઈ કારણ, તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.