ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત

Ahmedabad Accident : અમદાવાદના બાવળા હાઈવે રોડ પર આવેલા ચાંગોદર બ્રિજ નજીક આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ક્રેન ચાલકની બેફામ અને ગફલતભરી ડ્રાઈવિંગને કારણે બાવળા તાલુકાના શિયાળગામના 54 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત સર્જનાર ક્રેન ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
બપોરના સમયે ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આ ઘટના બની હતી. ઝડપી અને બેકાબૂ ક્રેને રોડ પર ચાલી રહેલા પ્રેમજીભાઈ વાલાભાઈ રાઠોડ (ઉંમર 54, રહે. શિયાળગામ, તા. બાવળા)ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, પ્રેમજીભાઈના માથાના ભાગે અને બંને પગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
બેદરકાર ક્રેન ડ્રાઇવર સામે ફરિયાદ
ઘટનાની જાણ મૃતકના સાઢુભાઈ નરેશભાઈ વાણીયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે મૃતદેહને ગંભીર રીતે છૂંદાયેલી હાલતમાં જોયો હતો અને ત્યાં હાજર લોકો પાસેથી સમગ્ર અકસ્માત ક્રેન ચાલકની બેદરકારીને કારણે થયો હોવાની માહિતી મેળવી હતી. નરેશભાઈ વાણીયાએ આ બેદરકાર ક્રેન ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવા માટે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

