Get The App

મંજૂરી વિના ધમધમતાં આનંદ મેળામાં દુર્ઘટના, બે બાળકી ગંભીર ઇજાગ્રસ્ત

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
મંજૂરી વિના ધમધમતાં આનંદ મેળામાં દુર્ઘટના, બે બાળકી ગંભીર ઇજાગ્રસ્ત 1 - image


માણસા શહેરમાં કલોલ રોડ ઉપર

રબરના ફુગ્ગાની લપસણીમાં રમતા બાળકો ભારે પવનથી હવામાં ફંગોળાયા ઃ સંચાલક સામે ગુનો નોંધવા તજવીજ

માણસા :  માણસા શહેરમાં કલોલ રોડ પર છેલ્લા ત્રણ દિવસથી કોઈપણ વહીવટી મંજૂરી વિના આનંદ મેળો શરૃ કરવામાં આવ્યો હતો જેમાં શહેરીજનો અને આજુબાજુના ગામના લોકો બાળકો સાથે અહીં આવતા હતા ત્યારે ગઈકાલે રાત્રે વાવાઝોડું આવ્યું તે સમયે અહીં રબરના ફુગ્ગાની લપસણીમાં રમી રહેલા બાળકો ભારે પવનને કારણે લપસણી સાથે હવામાં ફંગોળાયા હતા જેમાં બે બાળકીને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે આ બાબતે વહીવટી તંત્રએ સ્થળ પર જઈ મંજૂરી વિના ચાલી રહેલ આનંદ મેળાને બંધ કરાવી તેના માલિક વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

માણસા શહેરમાં કલોલ રોડ પર છેલ્લા ત્રણ દિવસથી આનંદ મેળો શરૃ કરવામાં આવ્યો છે આ આનંદ મેળામાં ઊંચા ચગડોળ સહિત અનેક નાની મોટી રાઈડ રાખવામાં આવી છે પરંતુ આ આનંદ મેળો શરૃ કરતા પહેલા લેવામાં આવતી વહીવટી મંજૂરી આનંદ મેળાના માલિક શ્યામલાલે લીધી નહોતી તેમ છતાં પોતાની રીતે આનંદ મેળો શરૃ કરી દીધો હતો અને વેકેશનના કારણે અહીં માણસા શહેર અને તાલુકાના લોકો રાત્રિના સમયે પોતાના બાળકો સાથે મનોરંજન માટે આવતા હતા ત્યારે ગઈકાલે રાત્રિના સમયે અચાનક વાવાઝોડું આવ્યું હતું તે વખતે અહીં વિવિધ રાઇડમાં બાળકો મોજ મસ્તી કરી રહ્યા હતા તેમાં એક રબરના ફુગ્ગાની લપસણી પર પણ બાળકો કુદા કુદ કરતા હતા તે સમયે જ ભારે પવનને કારણે આ રબરનો મોટો ફુગ્ગો હવામાં ઊડયો હતો જેથી તેમાં રમી રહેલા બાળકો ઉપરથી નીચે પટકાયા હતા જેમાં નીચે પટકાયેલ માણસા ગામની ચાર વર્ષની બાળકી કાનવી સંકેતકુમાર પટેલ અને ધોળાકુવા ગામની ચાર વર્ષની રાવ્યા અક્ષયભાઈ પટેલને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા પ્રથમ માણસા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી તો બીજા બે ત્રણ બાળકોને સામાન્ય ઇજાઓ થઈ હતી જ્યારે આ ઘટનાની જાણ પોલીસ સહિત વહીવટી તંત્રને થતા આજે તાત્કાલિક સ્થળ પર જઈ આનંદ મેળો બંધ કરાવ્યો હતો અને કોઈપણ જાતની મંજૂરી લીધા વિના આનંદ મેળો શરૃ કરનાર તેના માલિક શ્યામલાલ વિરુદ્ધ કલેકટરે કડક કાર્યવાહી કરવાના આદેશો આપતા તેના વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :