માર્ગ ઉપર શ્વાન આડું આવી જતા અકસ્માત : બાઈક ચાલકનું મોત
ગાંધીનગરના ખ-૭થી સમર્પણ સર્કલ વચ્ચે
વાવોલનું દંપતી બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન બનેલો બનાવ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના ખ-૭થી સમર્પણ સર્કલ તરફ જવાના માર્ગ ઉપર ગત મંગળવારે કૂતરૃ આડું આવી જતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું અને તેમાં સવાર દંપતીને ઇજાઓ પહોંચી હતી. જે પૈકી પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ ખસેડાયા હતા પરંતુ તેમનું મોત થયું હતું.
ગાંધીનગરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ખ-૭ સર્કલથી સમર્પણ તરફ જવાના માર્ગ ઉપર વધુ એક અકસ્માતની ઘટનામાં સામાન્ય વહીવટ વિભાગના સેવકનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સામાન્ય વહીવટ વિભાગમાં સેવક તરીકે કામ કરતા હર્ષદભાઈ સોમાભાઈ વૈશ્યક વાવોલ ખાતે આવેલી અતુલ્ય એલીગન સોસાયટીમાં રહે છે અને ગત મંગળવારના રોજ તેમની પત્ની નયનાબેન સાથે બાઈક લઈને સેક્ટર ૩૦માં કામ અર્થે જઈ રહ્યા હતા તેમનું બાઈક ખ-૭થી સમર્પણ સર્કલ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક જ માર્ગ ઉપર કૂતરું આડું આવી જતા બ્રેક લગાવી હતી અને તેના કારણે બાઇક સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં હર્ષદભાઈ અને તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં બંનેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હર્ષદભાઈને વધુ ઇજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.