આર એન્ડ બીના ચાર સસ્પેન્ડ તેમજ નિવૃત્ત અધિકારીના ઘેર ACB ત્રાટકશે
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ એસીબી દ્વારા મિલકતો શોધવા ઇજનેરોના વતનમાં પણ તપાસ થશે
વડોદરા, તા.3 ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સસ્પેન્ડેડ તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર ઇજનેરો સામે એસીબીની સીટ દ્વારા તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા હવે તમામના ઘેર તેમજ વતનમાં દરોડો પાડીને સર્ચ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર એસીબી દ્વારા મંજૂરી મળ્યા બાદ તેમજ સીટની રચના થવાની સાથે જ સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ અને આર.ટી. પટેલની એસીબી દ્વારા મિલકત સંબંધી પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ બે કાર્યપાલક ઇજનેરો એન.એમ. નાયકાવાલા અને નિવૃત્ત કમલેશ થોરાટની પૂછપરછ હાલમાં બાકી છે. દરમિયાન એસીબી દ્વારા વધુ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે.
ચાર સસ્પેન્ડેડ અને એક નિવૃત્ત અધિકારીના ઘર તેમજ વતનમાં સર્ચ કરવા માટે કોર્ટની મંજૂરી માંગવામાં આવી છે. આ સાથે જ એસીબીની ટીમો સર્ચ માટે ત્રાટકશે તેમ જાણવા મળ્યું છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિજની સ્ટેબિલિટિ સ્ટ્રક્ચર તપાસવાની કાર્યવાહી દર ચોમાસાની ઋતુ પહેલા પૂર્ણ કરવાની હોય છે પરંતુ તે પૂરી કરાઇ ન હતી તેમ જાણવા મળ્યું છે.
એસીબીની કાર્યવાહી શરૃ થતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોમાં ફફડાટ વ્યાપ્યો છે. અલકાપુરીમાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં એસીબીની ટીમે તાજેતરમાં ત્રાટકીને કાર્યપાલક ઇજનેરની કચેરીમાંથી કેટલાંક દસ્તાવેજો મેળવ્યા હતાં અને તેનો હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે.