આર એન્ડ બીના ઇજનેરોની મિલકતોની તપાસ માટે ACBની સીટની રચના
સંયુક્ત નિયામકના અધ્યક્ષસ્થાને એક મદદનીશ નિયામક અને ચાર પીઆઇ સહિત છ સભ્યો દ્વારા તપાસ
વડોદરા, તા.1 વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મહિ નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વિગતોના પગલે એસીબી દ્વારા એક નિવૃત્ત અને ચાર સસ્પેન્ડેડ ઇજનેરો સામે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના સંયુક્ત નિયામક મકરંદ દેસાઇની અધ્યક્ષતામાં કુલ ૬ સભ્યોની સીટની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા એસીબીના મદદનીશ નિયામક અને ચાર પીઆઇનો સમાવેશ કરાયો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા સાથે તપાસ શરૃ કરવામાં આવી છે. આજે સીટની પ્રથમ બેઠક વડોદરાની એસીબી કચેરીમાં મળી હતી અને તપાસના મુદ્દાઓની ચર્ચા કરી માહિતી એકત્ર કરવાનું નક્કી કરાયું હતું.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની અપ્રમાણસર મિલકતો અને સત્તાના દુરુપયોગ બાબતની તપાસ કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળતાં સીટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આમ તો ગઇકાલથી જ એસીબી દ્વારા તપાસનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલની પૂછપરછ કરી તેમની આવક અંગેની વિગતો મેળવી હતી. જ્યારે અન્ય બેની પૂછપરછ માટે આગામી દિવસોમાં બોલાવવામાં આવશે.
નાયકાવાલા સામે પણ એસીબીની તપાસને મંજૂરી