Gujarat

કમી જાસ્તી પત્રક દુરસ્ત કરવા માટે પાંચ લાખની લાંચ કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા

By GS TEAM
22 Jun 20252 mins read
કમી જાસ્તી પત્રક દુરસ્ત કરવા માટે પાંચ લાખની લાંચ કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા

અમદાવાદ,રવિવાર

શહેરના વાડજમાં આવેલી જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ કચરી માટે સરકાર માન્ય સર્વયર તરીકે કામ કરતા વ્યક્તિએ કમી જાસ્તી પત્રકને દુરસ્ત કરવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.જે રકમ તેના મળતિયા મારફતે મેળવવા જતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ તમામને લાંચની રકમ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓ ની તપાસ દરમિયાન જમીન રેકોર્ડ કચેરીમાં ચાલતી ગેરરીતીની વિગતો સામે આવે તેવી શક્યતા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેમની બહેનની જમીના કમી જાસ્તી પત્રકને દુરસ્ત કરવા માટે અરજી કરી હતી અને તે જમીન રેકોર્ડ કચેરીના સરકાર માન્ય સર્વેયર ગૌતમ યાજ્ઞાીકને તેમની  ભીમજીપુરાની ઓફીસ પર મળ્યા હતા.  ગૌતમ યાજ્ઞાીકે આ કામગીરી માટે કચેરીમાં વહીવટ કરવો પડશે. તેમ જણાવીને પાંચ લાખની માંગણી કરી હતી. જેથી આ અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરી હતી અને જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આઇ એમ સોંલકી અને તેમના સ્ટાફે શનિવારે વાડજ ખાતે આવેલી ઓફિસ નજીક ટ્રેપ ગોઠવી હતી. પરંતુ, સર્વેયર ગૌતમ યાજ્ઞાીકે લાંચની રકમ પોતાના હાથમાં લેવાના બદલે તેમના માટે કામ કરતા જમીન દલાલ નવઘણસિહ ડોડીયાના બોપલ આંબલી પાસે આપવા જવાનું કહ્યું હતું. જેથી એસીબીનો સ્ટાફ બોપલ-આંબલી તરફ રવાના થયો હતો. આ સમયે  ત્યાં નવઘણસિંહ ડોડીયાને ફરિયાદીએ પાંચ લાખની રોકડ આપતા તે રકમ મનીષ પગી નામના વ્યક્તિને કહીને પોતાની મર્સીડીઝ કારમાં મુકાવી દીધી હતી. આ સમયે એસીબીએ બંનેને ઝડપી લીધા હતા. પરંતુ, આ ટ્રેપ અંગે ગૌતમ યાજ્ઞાીકને જાણ નહોતી. જેથી એસીબીના સ્ટાફે નવઘણસિંહના ફોનથી ગૌતમ યાજ્ઞાીકને ફોન કરાવીને પાંચ લાખની રોકડ લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ, ગૌતમે તે રકમ ગાંધીનગર આપી જવાનું કહેતા એસીબીએ સરગાસણ  પાસે ટ્રેપ ગોઠવીને સર્વેયર ગૌતમ યાજ્ઞાીકની ધરપકડ કરી હતી. આ અંગે એસીબીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.