Get The App

'એસીબીની ટ્રેપ થવાની છે,એજન્ટો આજે આરટીઓમાં આવતા નહીં'

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
'એસીબીની ટ્રેપ થવાની છે,એજન્ટો આજે આરટીઓમાં આવતા નહીં' 1 - image


લાંચ-રૃષવત વિરોધી દળની કાર્યવાહીનું પેપર ફુટી ગયું!

ઘણા અધિકારી-કર્મચારીઓ જગ્યા છોડીને ગાયબ થઇ ગયા વહિવટદારો પણ છૂમંતરઃગાંધીનગર આરટીઓમાં સન્નાટો

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓમાં આજે એકાએક કેટલાક અધિકારી કર્મચારીઓ પોતાની જગ્યા છોડીને ગાયબ થઈ ગયા હતા તો બીજી બાજુ દરરોજ કામકાજ અને 'વ્યવહાર' લઇને આવતા એજન્ટોને નહીં આવવા માટે કાનોકાન ખબર કરી દેવામાં આવી હતી.એસીબીની ટ્રેપ થવાની વાત વહેતી થતા આરટીઓમાં આજે કામગીરી લગભગ બંધ થઈ ગઈ હતી એજન્ટોને આજે નહીં આવવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી.

પેપર લેસ અને ફેસલેશની વાતો વચ્ચે પણ આરટીઓમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે કોઈના કોઈ બહાના હેઠળ એજન્ટો મારફતે વહીવટદારો વચ્ચે રાખીને આરટીઓના અધિકારીઓ-ઇન્સ્પેક્ટર વાહન માલિકો કે અરજદારો પાસેથી રૃપિયા પડાવતા હોય છે આ અંગે વારંવાર ફરિયાદને પગલે ગાંધીનગર સહિતની ઘણી આરટીઓમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ પણ કરવામાં આવી છે અને આરટીઓ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ પકડાયા પણ છે. આઠ મહિના પહેલા ગાંધીનગર આરટીઓમાં પણ ઇન્સ્પેક્ટર વહીવટદારને વચ્ચે રાખીને લાંચ લેતા હોવાનું પકડાયું હતું ત્યારે આજે એસીબીની ટ્રેપ થવાની વાતને આધારે આરટીઓમાં એકાએક સન્નાટો થઈ ગયો હતો.

એન્ટી કરપ્શન બ્યુરોનું પેપર ફૂટી ગયું હોય તેમ આજે આરટીઓમાં એસીબીની ટ્રેપ થવાની છે એજન્ટોને અંદર જવાની ના પાડવામાં આવી છે તેવી વાતો એજન્ટ વર્તુળમાં બહાર થતી સાંભળવા મળતી હતી એટલું જ નહીં,ઘણા અધિકારી-કર્મચારીઓ પણ આજે ઓફિસે આવ્યા બાદ પોતાની જગ્યાએ ન હતા જે પણ આ સંભવિત કાર્યવાહીની ચાડી ખાય છે. જોકે મોડી સાંજ સુધી એસીબીની કોઈ કાર્યવાહી થઈ ન હતી પણ આરટીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે,અલગ અલગ કામ કરી આપવા સામે એજન્ટો તથા ડીલરો પાસેથી લેવામાં આવતા લાંચના 'ભાવ' હમણાં વધારી દેવામાં આવ્યા છે જેના પગલે એસીબીમાં ફરિયાદ થઈ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

Tags :