ACB દ્વારા એક નાયબ કાર્યપાલક એન્જિનિયરની સાડા સાત કલાક પૂછપરછ
બ્રિજ અંગેની કેટલી ફરિયાદો ક્યારે થઇ અને તેની સામે એન્જિનિયરો દ્વારા પગલા લેવામાં આવ્યા કે નહીં તેની માહિતી મંગાવાઇ
વડોદરા,વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મહિ નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં સસ્પેન્ડ થયેલા ચાર એન્જિનિયર અને એક સસ્પેન્ડ એન્જિનિયર સામે એ.સી.બી. દ્વારા શરૃ કરવામાં આવેલી તપાસમા ં આજે એક એન્જિનિયરની સાડા સાત કલાક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પાસેથી બ્રિજ અંગેની માહિતી પણ માંગવામાં આવી છે.
લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના સંયુક્ત નિયામક મકરંદ દેસાઇની અધ્યક્ષતામાં કુલ ૬ સભ્યોની સીટની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા એસીબીના મદદનીશ નિયામક અને ચાર પીઆઇનો સમાવેશ કરાયો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા સાથે તપાસ શરૃ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની અપ્રમાણસર મિલકતો અને સત્તાના દુરુપયોગ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આજે એક નાયબ કાર્યપાલક એન્જિનિયર આર.ટી. પટેલને એ.સી.બી. ની કચેરીમાં બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એન્જિનિયરે વસાવેલી મિલકતો અંગેની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એ.સી.બી. દ્વારા બેંક એકાઉન્ટની ડિટેલ પણ મંગાવવામાં આવી છે.
જ્યારે ગંભીરા બ્રિજ અંગે પણ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી માંગવામાં આવી છે. બ્રિજ અંગેની કેટલી ફરિયાદો ક્યારે થઇ અને તેની સામે એન્જિનિયરો દ્વારા પગલા લેવામાં આવ્યા કે નહીં ? તેની પણ તપાસ કરવામાં આવશે.
આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં એ.સી.બી. દ્વારા તપાસ
વડોદરા,
આજે એ.સી.બી.ના અધિકારીઓનો કાફલો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં બે ગાડીઓ લઇને પહોંચી ગયો હતો. ઓફિસમાં બેસીને તેમણે ગંભીરા બ્રિજને લગતી માહિતી એકત્રિત કરવા સ્ટાફને કહ્યું હતું. અંદાજે બે કલાક સુધી એ.સી.બી.ની ટીમ દ્વારા આર એન્ડ બી ડિપાર્ટેમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી.