Gujarat

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સામેની તપાસમાં ACBએ ઝંપલાવ્યું

By GS TEAM
23 Jul 20252 mins read
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ  માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સામેની તપાસમાં ACBએ ઝંપલાવ્યું

વડોદરા, તા.23 ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા સાથે હવે તપાસમાં એસીબીએ પણ ઝંપલાવ્યું છે. લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મિલકતોની તપાસ માટે વિગતો એકત્ર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો શંકાના ઘેરામાં આવ્યા હતાં. હલકી કક્ષાના કામો કરીને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી પોતે પણ મોટો લાભ મેળવીને ભ્રષ્ટાચાર આચર્યો  હોવાની વિગતો બહાર આવી હતી. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પણ તેની ગંભીર નોંધ લેવાઇ છે. લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની ગાંધીનગરની કચેરી દ્વારા ભ્રષ્ટાચાર અંગે તપાસની લીલી ઝંડી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન વડોદરા શહેર અને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા અને અગાઉ ફરજ બજાવી ગયેલા એન્જિનિયરોની આવક કરતા વધુ મિલકતોની તપાસ એસીબી દ્વારા શરૃ કરી દેવામાં આવી છે. એન્જિનિયરોની વિગતો પણ ડિપાર્ટમેન્ટ પાસેથી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એન્જિનિયરો અગાઉ ક્યાં ફરજ બજાવતા હતા કેટલો સમય ફરજ બજાવી, વડોદરામાં ક્યારે આવ્યા અને કેટલો સમય ફરજ બજાવી સહિતની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત એન્જિનિયરોના નામે અથવા પરિવાર તેમજ અન્ય મળતિયાના નામે મિલકતો વસાવી હોવાની માહિતી પણ મહેસૂલ વિભાગ પાસેથી એકત્ર કરવામાં આવશે. એસીબી દ્વારા માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોની તપાસ હાથ ધરાતા જ કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસમાંથી કેવી રીતે બચવું તેના રસ્તાઓ પણ શોધવા લાગ્યા હોવાનું મનાય છે.