ભરૃચ તા.૪ આમોદ પોલીસ સ્ટેશનમાં હાલ એએસઆઇ તરીકે ફરજ બજાવતા નારણભાઇ વસાવાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૬માં હતા ત્યારે પોણા લાખની લાંચ લીધી હતી જે અંગે નવ વર્ષ બાદ એસીબીમાં ગુનો દાખલ થયો છે.
લાંચ રૃશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ વર્ષ-૨૦૧૬માં જંબુસરના રહીશ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી. આ અરજીની તપાસ તે સમયના હેડ કોન્સ્ટેબલ નારણ ફતુભાઇ વસાવા કરતા હતાં. તેમણે જંબુસરના રહીશ સામે અરજીના નામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી અટકાયતી પગલા લીધા હતાં.
દરમિયાન અરજીની તપાસમાં વધુ હેરાન નહી કરવા માટે હેડ કોન્સ્ટેબલ નારણભાઇ વસાવાએ એક વખત રૃા.૭૦ હજાર અને બીજી વખત રૃા.૫ હજાર મળી કુલ પોણો લાખની લાંચ જંબુસર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તેમજ ભાટીયા મોબાઇલ નામની દુકાન પર લીધી હતી. આ સમગ્ર લાંચના પ્રકરણનું રેકોર્ડિંગ જંબુસરના રહીશે કરી દઇ તેણે એસીબીમાં અરજી આપી હતી. એસીબી દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી અને વોઇસ સ્પેક્ટોગ્રાફિ ટેસ્ટ કરાવાયો હતો.
નવ વર્ષના લાંબા ગાળા બાદ રિપોર્ટ આવતા ભરૃચના એસીબી પીઆઇ એમ.જે. શિંદેએ નારણભાઇ વસાવા સામે લાંચનો ગુનો દાખલ કરતા વધુ તપાસ વડોદરા એસીબીના પીઆઇ એ.જે. ચૌહાણે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોણા લાખની લાંચ લેનાર નારણભાઇ વસાવા જે તે સમયે જંબુસર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા હાલ તેઓ આમોદ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.


