કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ
- સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ
- લોકમેળાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિક્ષેપ પડવાની રજૂઆત કરી મેળાનું સ્થળ બદલવા માંગ
સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત પરંપરાગત રીતે શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનું સ્થાન બદલીને શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાવાનો નિર્ણય લીધો છે. જેની સામે એબીવીપીના આગેવાનો અને વિદ્યાર્થીઓ આજ રોજ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરી આક્ષેપ કર્યા હતા કે હાલ કોલેજનું નવિનીકરણ માટે બાંધકામ ચાલી રહ્યું છે તેમાં પણ મેળાનું આયોજન કરવામાં આવતા એક મહિના માટે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિક્ષેપ પડી શકે તેમ છે. આ ઉપરાંત પોસ્ટ ઓફીસનું કામ પણ ૧૦ દિવસ માટે બંધ રહેશે જેના કારણે અનેક અરજદારોને મુશ્કેલી પડવાની ભીતી સેવાઈ રહી છે.
કાર્યકરોએ જણાવ્યું હતું કે વઢવાણના ઠાકોર સાહેબ દ્વારા માત્ર શૈૈક્ષણિક હેતુ માટે કોલેજને જમીન આપવામાં આવી હતી પરંતુ મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતાં મનપાને આવક થશે. આથી આ તમામ બાબતોને ધ્યાને લઈ શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળાનું સ્થાન બદલીને અન્ય જગ્યાએ કરવામાં આવે તેવી માંગ કરી હતી.