Gujarat

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ

By GS TEAM
17 Feb 20261 min read
ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ

એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર

ગેડીયા ગામે ઝઘડો કરી પરત ફરતી વખતે ગુરુકુળ ચોકડી પાસે એલસીબીની નાકાબંધી દરમિયાન ઝડપાઈ ગયા હતા

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર દોઢ મહિના પહેલા નોંધાયેલા હથિયાર જપ્તીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને સ્થાનિક પોલીસની સઘન શોધખોળ બાદ માળિયાના રહેવાસી લતીફ સલીમભાઈ જેડાને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગત ૨૪ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે બે શંકાસ્પદ કારમાંથી ૪ ગેરકાયદેસર હથિયાર અને ૪૧ જીવતા કાટઝ (કિં.રૃ. ૧૦.૨૩ લાખ)મળી આવ્યા હતા. તે સમયે (૧) સમશેરભાઈ જાકુબભાઈ જેડા (૨) સિકંદર જાનમહંમદભાઇ જેડા તથા (૩) દીનમહમદ તાજમહમદભાઈ ભટ્ટી (ત્રણેય રહે, માળિયા,મોરબી) સ્થળ પરથી પકડાયા હતા, જ્યારે લતીફ સહિત બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં કુલ ૪ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે તે સમયે પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પાટડી તાલુકાના ગેડીયા ગામે હથિયારો સાથે કોઈ જૂના ઝઘડાના સમાધાન અથવા હુમલાના ઈરાદે ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાંથી પરત ફરતી વખતે ગુરુકુળ ચોકડી પાસે એલસીબીની નાકાબંધી દરમિયાન તેઓ ઝડપાઈ ગયા હતા. હાલમાં પકડાયેલા લતીફ જેડાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે.