એન.ડી.પી.એસ.ના કેસમાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
પાંચ વર્ષની સજા થયા પછી પેરોલ પર છૂટીને છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો હતો
વડોદરા,એન.ડી.પી.એસ.ના કેસમાં પેરોલ પર છૂટીને છેલ્લા ૧૦ વર્ષથી ફરાર કેદીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી પાડયો છે.
આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૧૧ માં એન.ડી.પી.એસ.નો કેસ નોંધાયો હતો. જેમાં આરોપી મેઘાભાઇ નારૃભાઇ મુનીયા (રહે. કાલીયાવિરણ, તા. મેઘનગર, જિ.જાંબુવા, મધ્યપ્રદેશ) ૧.૩૦૦ કિલો અફીણના જથ્થા સાથે પકડાયો હતો. આ કેસમાં આરોપીને પાંચ વર્ષની કેદ તથા ૨૫ હજાર રોકડાની સજા થઇ હતી. કેદી વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. હાઇકોર્ટના હુકમથી તા. ૧૪ - ૦૪ - ૨૦૧૫ ના રોજ ૨૧ દિવસની પેરોલ રજા પર મુક્ત થયો હતો. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. છેલ્લા ૧૦ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશના નૌગા ગામેથી ઝડપી પાડયો હતો. આરોપી ત્યાં દુકાન ચલાવતો હતો. તેવી જ રીતે કેદી કાંતીયા માનાભાઇ પણદા (રહે. મછલીયા, તા.જિ. જાંબુવા, મધ્યપ્રદેશ) પણ પેરોલ પર મુક્ત થઇને ફરાર થઇ ગયો હતો. પરંતુ, તપાસ દરમિયાન કેદીનું મોત થયું હોવાનું જણાઇ આવતા તે અંગે રાજકોટ જેલને જાણ કરવામાં આવી છે.