વડોદરા કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિમાં આશરે 5000 બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે
Vadodara : રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જે તારીખ 18 થી શરૂ થવાનો હતો તે હવે તારીખ 26 થી શરૂ થશે અને 28 સુધી એટલે કે ત્રણ દિવસ ચાલશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ તારીખ 26 થી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં આશરે 5000 બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શિક્ષણ સમિતિમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીની 121 શાળાઓ છે. જેમાં હાલ 43,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
વડોદરાની તમામ શાળાઓ માટે પ્રવેશોત્સવના કાર્યક્રમ સંદર્ભે રૂટ નક્કી કરવામાં આવશે અને મંત્રીઓથી માંડીને પદાધિકારીઓ, હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ બાળકોને આવકારશે. બાલ વાટિકા ઉપરાંત ખાનગી શાળાના બાળકો પણ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ લેતા હોય છે. આવા આશરે 1500 બાળકો પ્રવેશ લે તેવી ધારણા છે. આ વખતે પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવાની થીમ સાથે યોજવામાં આવી રહ્યો છે. "આવો, બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ "તેવી ટેગ લાઈન આ વખતે રાખવામાં આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા જે બાળકો બાલવાટિકામાં પ્રવેશ લેશે તેને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે. ગયા વખતે પણ પ્રવેશોત્સવ 26 જુન થી શરૂ થયો હતો.