- માર્ગ પહોળો કરવાની કામગીરી વખતે એચ.એમ. પટેલનું સ્ટેચ્યૂ દૂર કરતા જાણ થઈ
- વર્ષો પૂર્વે વિસ્તારમાં ખેતીની જમીનના લીધે પાણીની સમસ્યાના ઉકેલ માટે કૂવો ઉભો કરાયો હોવાનો સ્થાનિકોનો મત : પુરાતત્વ વિભાગને જાણ કરાશે કે કેમ તે અંગે સવાલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવવા તા. ૨૬મી નવેમ્બરે આણંદ ખાતે ઉપસ્થિત રહેવાના છે. કરમસદ આણંદ મનપા તંત્રએ આળસ મરડીને છેલ્લા છ મહિનાથી બિસ્માર થઈ ગયેલા ૧૧ જેટલા રસ્તાઓને બે કરોડના ખર્ચે યુદ્ધાના ધોરણે નવા રિસરફેસ, પેચવર્ક, પેવર બ્લોક સહિતની કામગીરી સાથે તાબડતોબ બનાવવાનું શરૂ કર્યું છે. શુક્રવારે આણંદ વિદ્યાનગર માર્ગ પર આવેલા વર્ષો પૂર્વે સ્થાપિત એચ.એમ. પટેલ સ્ટેચ્યૂ સર્કલ માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે સર્કલ અને સ્ટેચ્યૂ હટાવવામાં આવતાં આશરે પચાસ ફૂટ ઊંડો સૈકા જૂનો કૂવો મળી આવતાં કુતૂહલ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વર્ષો પૂર્વે આ વિસ્તારમાં ખેતીની જમીન હોવાથી જેતે સમયે પાણીની સમસ્યાના ઉકેલ માટે કૂવો ઉભો કરવામાં આવ્યો હોવાની સંભાવના છે.
જમીનમાંથી કૂવો મળ્યાની જાણ થતા સ્થાનિકોના ટોળા જોવા ઉમટયા હતા. મનપા તંત્ર પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરશે કે કેમ તે અંગે માંગણી સાથે સવાલો ઉઠી રહ્યા હતા.
કૂવાની જગ્યા ટીપી સ્કીમમાં મળી છે, નાનું સર્કલ બનાવી સ્ટેચ્યૂ મૂકાશે : ડે. કમિશનર
આ અંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, આણંદ- વિદ્યાનગર રોડ ઉપર આવેલા એચ.એમ. પટેલ સ્ટેચ્યુ ટ્રાફિકમાં અડચણરૂપ હોવાથી તે હટાવવામાં આવ્યું હતું. જેની નીચેથી વર્ષો જૂનો એક કૂવો મળી આવ્યો હતો. આ જમીન ટીપી સ્કીમમાં મળેલી છે. આ સ્થળે નાનું સર્કલ બનાવી સ્ટેચ્યૂ મૂકવામાં આવશે.


