વતન સૌરાષ્ટ્રને કોરોનામુક્ત કરવા સુરત થી 500 ગાડીમાં આશરે 2000 વોલેન્ટીયર્સ રવાના
- તાજેતરમાં સુરત સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓને વતનમાં જ સાજા કરવાની ઝુંબેશ : 30 ગામોમાં સેવા આપશે.
સુરત : સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા મૂળ સૌરાષ્ટ્રના અને સુરત સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓએ પોતાના વતનને કોરોના થી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ગત સવારથી સાંજ સુધીમાં 500 ગાડીમાં આશરે 2000 વોલેન્ટીયરોએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે સ્થિતિ વણસતા દર્દીઓ સારવાર માટે સુરત આવી રહ્યા છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ તરફના ગામોના લોકો સુરતના પુણા વિસ્તારમાં સારવાર લેવા માટે આવવાનું શરૂ કરતા સુરતમાં રહેતા પરંતુ મૂળ સૌરાષ્ટ્રના યુવાઓ અને ઉદ્યોગકારોમાં ચિંતામાં વધી હતી. જેને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા વતન જઈને દર્દીઓને ત્યાં જ સાજા કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મેડિકલ સ્ટાફ તેમજ યુવાનોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરાયું છે.
30 ડોકટરોની ટીમ ગામડામાં રહીને દર્દીઓને સેવા આપશે. સ્વયં સેવકો દ્વારા તાત્કાલિક અસરથી દર્દીઓને તમામ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. આગામી સાત દિવસ કોરોના સંક્રમિત ગામડાઓમાં મેડિકલથી લઈને તમામ સુવિધાઓ પૂરી પડાશે.
મારૂતિ વીર જવાન ટ્રસ્ટના કરૂણેશ રાણપરીયાએ કહ્યું કે, 4 ડોકટરો પોતાની હોસ્પિટલની જવાબદારી અન્ય ડોકટરોને સોંપી સૌરાષ્ટ્ર માટે નીકળ્યા છે. તમામ દર્દીઓને મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહે તે માટે અલાયદી વ્યવસ્થાનું પણ અમે આયોજન કરી રહ્યા છે. અલગ અલગ રોટેશન મુજબ સૌરાષ્ટ્રમાં એક એક સપ્તાહ સુધી કામગીરી કરશે. વિટામિનની અમુક દવાઓ ત્યાં ન મળતી હોવાને લીધે અમે અહીંથી કીટ બનાવી જરૂરિયાતમંદ દર્દીઓને આપીશું.