પ્રવાસન અને યાત્રા સ્થળોએ માનવ મહેરામણ : સોમનાથ દાદાને 3.50 લાખ, દ્વારકાધીશને 4.65 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું : સૌરાષ્ટ્રમાં એકંદરે 1 કરોડ લોકો દિવાળી રજામાં હર્યા-ફર્યા
રાજકોટ, : દિવાળીની તા. 19થી શરૂ થયેલી રજાઓના પગલે ખાસ કરીને બેસતાવર્ષ તા. 22થી સૌરાષ્ટ્રના યાત્રાધામો તથા પ્રવાસન સ્થળોએ ચિક્કાર ભીડ જોવા મળી હતી અને હાઈવે પર ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ તથા દ્વારકાધીશ મંદિર તેમજ ચોટીલા ચામુંડા માતાજીના ધામ અને ગીરનાર અને તળેટીમાં યાત્રાધામોએ આશરે 20 લાખ લોકો ઉમટી પડયા હતા.
દ્વારકાધીશના દર્શનનું દિવાળી પવામાં ભક્તોમાં પ્રાચીન સમયથી મહત્વ રહેલું છે. ઓખા-દ્વારકા-જામનગર હાઈવે પર જગત મંદિરથી 5 કિ.મી.દૂર સુધી વાહનોની કતારો સાથે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગઈકાલે ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં હજારો ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. રાત્રિના સમયે સેંકડો દિવડાંના પ્રકાશથી ગોમતી નદી માતા ઝળહળી ઉઠયા હતા. દ્વારકાધીશને યમુનાજી શ્રૂંગાર કરાયો હતો. વહીવટદારના જણાવ ્યા મૂજબ ધનતેરસથી ભાઈબીજ સુધીમાં ૪.૬૫ લાખ ભાવિકોએ દર્શન કર્યા છે અને આજે પણ ધસારો જારી રહ્યો હતો.
સોમનાથથી અહેવાલ મૂજબ દિવાળી રજાઓમાં 3.50 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે. આસપાસના ત્રિવેણી સંગમ સહિતના સ્થળે પણ ચિક્કાર મેદની જોવા મળી હતી. ગેસ્ટહાઉસો હાઉસફૂલ થઈ ગયા હતા અને મંદિરથી દૂર વિશેષ પાર્કિંગ છતાં જગ્યા ખુટી પડી હતી.
આ ઉપરાંત ચોટીલા ડુંગર પર બીરાજતા ચામુંડા માતાજીના દર્શનાર્થે 4દિવસમાં આશરે 7 લાખ ભાવિકો ઉમટી પડતા અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચિક્કાર જામ સર્જાયો હતો. ગીરનાર પર્વત પર અંબાજી માતાજી તેમજ અન્ય ધર્મસ્થાનોએ પણ 5 લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત ખોડલધામ, વીરપુર, સતાધાર, બાપા સીતારામ ધામ, પાલીતાણા સહિત તમામ યાત્રાસ્થળોએ ભારે ભીડ રહી હતી.સૌરાષ્ટ્રમાં નવા વર્ષનો પ્રારંભ માત્ર મોજમજાથીને બદલે ભગવાનના દર્શન કરીને કરવાની પરંપરા જળવાઈ હતી.


