દ્વારકાધીશજી મંદિરે શ્રીજીને સવાર-સાંજ આરતીમાં અબિલ-ગુલાલના છાંટણા કરાશે

વસંત પંચમીથી ફુલડોલ (ધુળેટી) સુધી જગત મંદિરમાં વસંતોત્સવ ઉજવાય છે : કાળિયા ઠાકોરને બન્ને આરતી સમયે અબિલ-ગુલાલની પોટલી ધરી તેમાંથી રોજ દર્શનાર્થીઓને રંગે રમાડાશે
દ્વારકા, : યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશજી મંદિરે મંગળવારથી વસંત ઋતુના આગમનના વધામણારૂપે ફુલડોલ સુધી રોજ સવારે 10.45વાગ્યે થતી શૃંગાર આરતી તથા સાંજે 7.45 વાગ્યે થતી સંધ્યા આરતીમાં કાળિયા ઠાકોરને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગે રમાડવાનો ભાવ વ્યક્ત કરાશે. ઠાકોરજી તેમજ ભાવિકોને રંગે રમાડાશે.
તા. 24 મંગળવારથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. તેથી તા. 24મીથી દ્વારકાના દ્વારકાધીશજી મંદિરે આરતીમાં અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાંથી દર્શનાર્થીઓને રંગે રમાડાશે. વસંત પંચમીથી ફુલડોલ (ધુળેટી) સુધી જગત મંદિરમાં વસંતોત્સવ ઉજવાય છે.
મંદિરના પૂજારીએ જણાવ્યું કે હોળી અગાઉના આઠ દિવસ કે જે હોળાષ્ટક કહેવાય છે. હોળાષ્ટકનો પ્રારંભ થતાં જ જગત મંદિરમાં શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતીમાં શ્રીજીને અબીલ ગુલાલની પોટલી ધરી નીજ મંદિર પટાંગણમાં દર્શનાર્થીઓને ઠાકોરજીના પ્રસાદરૂપે રંગોથી રમાડાશે. સંખ્યાબંધ ભાવિકો ભગવાન સંગ રંગ રમવા ઉમટી રહ્યાં છે. આગામી તા. 3 માર્ચના ફુલડોલ ઉત્સવ નિજ મંદિરમાં પુજારી પરિવાર અને ભાવિકો દ્વારા ઉજવાશે. તેમાં શ્રીજીને ચાંદીની પીચકારી ધારણ કરાવાય અને કેસુડાના રંગ ભરી ફુલડોલ ઉત્સવ ઉજવાય છે.








