ધોળકામાં ભૂલા પડેલા વૃદ્ધાને અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું

વૃદ્ધાના
સામાનમાંથી દીકરીનું સરનામુ મળી આવતા અભયમની ટીમે દીકરીને સોંપી
બગોદરા -
ધોળકામાં ફરજ બજાવતા એક જાગૃત કર્મચારીની તત્પરતા અને ૧૮૧
અભયમ મહિલા હેલ્પલાઇનની સક્રિયતાને કારણે ભૂલા પડેલા એક વૃદ્ધ માજીને તેમના પરિવાર
પાસે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.
ધોળકા
શહેરમાંથી આશરે ૭૦ વર્ષના એક વૃદ્ધ માજી મળી આવ્યા હતા. માજી ક્યાંના રહેવાસી છે
અને ક્યાં જવા માંગે છે, તે અંગેની પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શકતા ન હતા. આથી, ફરજ પરના જાગૃત કર્મચારીએ તાત્કાલિક ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ
માંગતા ટીમ સ્થળ પર પહોંચી માજીનું કાઉન્સિલિંગ શરૃ કર્યું હતું.
કાઉન્સિલિંગ
દરમિયાન માજીએ તેમનું અને તેમના પતિનું નામ જણાવ્યું હતું, પરંતુ કયા ગામના
રહેવાસી છે તે યાદ ન આવતા અલગ-અલગ વિસ્તારના નામ જણાવતા હતા. માજી પાસે રહેલા
સામાનની તપાસ કરતાં ટીમને તેમની દીકરીનું નામ અને સરનામુ મળી આવ્યું હતું. તેના
આધારે ગામના રહેવાસીઓની તપાસ અને પૂછપરછ કરતા વૃદ્ધાના ભાણીયાનો મોબાઇલ નંબર મળી
આવતા તેનો સંપર્ક કરી દીકરીને સોંપ્યા હતા.

