ઓટલા ઉપર ચાલતી 'વડીલોની રેયાણ' ઠંડીમાં ઠૂંઠવાઈ
તાપણાના સહારે હૂંફ મેળવવા પ્રયાસ
અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાએ વર્ચસ્વ જમાવતા મોડી સાંજ પછી માણસ તો ઠીક ચકલું પણ ફરકતું નથી
આ અંગે ખુઅડા ગામના યુવા અગ્રણી પલ વિક્રમસિંંહ દેવાજીએ જણાવ્યું હતું કે, માવઠા અંગે હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂત વર્ર્ગમાં ચિંંતાના વાદળો છવાઈ ગયા છે. અને જો માવઠું પડે તો, શિયાળુ પાકને નુકશાન થઇ શકે છે.અને સાંજ પડતાં જ ગામડાઓમાં ફળિયે ફળિયે તાપણા જોવા મળે છે.
કોઠારાના મનોજ જોશીના જણાવાયા મુજબ અબડાસા તાલુકામાં કોઠારા ગામ વ્યાપાર ક્ષેત્રે અબડાસાનું મુખ્ય કેન્દ્ર જણાય છે.અને સવાર થી સાંજ સુધી બજારો ધમધમતી હોય છે. પણ હાલમાં સાંજ થાય પહેલા જ બજારમાંથી ગ્રાહકો જાણે કે અદ્રશ્ય થઈ જાય છે.
ડુમરાના મામધભાઈ જણાવ્યું હતું કે, વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.જેની સૌથી વધુ અસર નાના બાળકો પર પડી છે.ઠંડીના કારણે હાલમાં શાળાઓમાં શનિવારનો સમય અડધો કલાક મોડો કરવામાં આવ્યો છે.આમ છતાં ઠંડીના કારણે વાલીઓ પોતાના નાના બાળકોને સમયસર વહેલા મુકતા અચકાતા હોય છે, અથવા ટાળતા હોય છે.જેના કારણે શનિવાર ના શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે.અને ખાસ કરીને વૃધ્ધો અને નાના બાળકોની ચહલપહલ સદંતર ઘટી ગઈ છે.બિમાર ,અશકત લોકો આવી ઠંડીમાં ઘર થી બહાર નીકળવાનું મુનાસિબ સમજતા નથી.


