તારાપુરના જીચકાની ઝાડીમાંથી તરછોડાયેલું નવજાત શિશુ મળ્યું

- નિષ્ઠુર માતાના કારસ્તાન સામે લોકોમાં રોષ
- શિશુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
તારાપુર તાલુકાના જીચકા ગામેથી ખાનપુર રોડ પર આવેલા ઠાકોર વાસ પાછળના સીમ વિસ્તારની ઝાડીમાંથી નિર્વ હાલતમાં તરછોડાયેલું એક નવજાત શિશુ મળી આવ્યું હતું. જીચકા ગામના ઠાકોર વાસના કેટલાક રહીશોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી પહેલા તો ડર લાગ્યો હતો પરંતુ નજીક જઈને તપાસ કરતા ઝાડીમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. રહીશો દ્વારા તારાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે શિશુનો કબજો લઈને સવારે સાડાપાંચ વાગ્યે તારાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયું હતું. તરછોડાયેલા શિશુના પગ, મોઢા સહિતના ભાગો પર કાંટા પણ વાગ્યા હતા. ડોક્ટર દ્વારા વોર્મર, ઓક્સિજન તથા અન્ય માતા દ્વારા ફીડિંગ સહિતની પ્રાથમિક સારવાર આપવામાં આવતા હાલ બાળકની તબિયત સ્વસ્થ હોવાનું હોસ્પિટલના મેડિકલ ઓફિસરેે જણાવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા શિશુના વાલી વારસા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને બાળકના માતાપિતા અંગે કોઈ માહિતી મળે તો તારાપુર પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.









