Get The App

વિસાવદરમાં 17554 મતની લીડથી 'આપ'ના ઝાડુએ કમળને કચડી નાખ્યું

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
વિસાવદરમાં 17554  મતની લીડથી 'આપ'ના ઝાડુએ કમળને કચડી નાખ્યું 1 - image


સત્તા અને તંત્રનો દુરૂપયોગ છતાં ભાજપની કારમી હાર : 'આપ'ના ઉમેદવારને 75942, ભાજપના ઉમેદવારને 58388 મત : વિસાવદરના મતદારોએ અલગ મિજાજનો અંદાજ જાળવી રાખ્યો

જૂનાગઢ, : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મત ગણતરીના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને 75942 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર 58388 મતમાં જ હાંફી ગયા હતા અને આપના ઝાડુએ 17554 મતની સરસાઈ મેળવી ભાજપના કમળને કચડી નાખ્યું હતું. વિસાવદરના મતદારોએ આમ આદમી પાર્ટીને જીત અપાવી સમગ્ર રાજ્ય કરતા તેનો મિજાજ અલગ છે એ બાબત જાળવી રાખી હતી અને આ બેઠક પર બીજી વાર આમ આદમી પાર્ટીને જીત અપાવી હતી.

વિસાવદર, ભેંસાણ તાલુકો અને જૂનાગઢ ગ્રામ્યના 40થી વધુ ગામડાઓ ધરાવતા વિસાવદર વિધાનસભા વિસ્તારના 294 બૂથ પર તા. 19મીએ 261110 મતદારોમાંથી 148803 મતદારોનું સરેરાશ 56.89 ટકા મતદાન થયું હતું. માલિડા અને નવા વાઘણીયા બુથ પર બોગસ મતદાન થયાની ફરિયાદ બાદ આ બંને બુથ પર તા. 21ના ફેર મતદાન થયું હતું. આ બંને બુથ પર સરેરાશ 81.11  ટકા મત પડયા હતા.

આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ હતી. સવારે પ્રથમ પોસ્ટલ બેલેટ બાદ ઇવીએમના મતગણતરી શરૂ થઈ હતી. શરૂઆતના બે રાઉન્ડમાં આમ આદમી પક્ષ અને ત્રણથી સાત રાઉન્ડ સુધી ભાજપને લીડ મળી હતી. સાતમા રાઉન્ડમાં ભાજપમાં ભાજપની 985 મતની લીડ હતી, જ્યારે આઠમાં રાઉન્ડમાં આમ આદમી પાર્ટીને 702 મતની લીડ થઈ હતી. અંતિમ 21 રાઉન્ડ સુધી સતત આમ આદમી પાર્ટીએ સરસાઈ જાળવી રાખી હતી. ગણતરીના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાને 75906 ઇવીએમના અને 36 બેલેટ પેપરના મળી કુલ 75942 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58325 ઇવીએમના બેલેટ પેપરના 63 મળી કુલ 58388 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાનો 17554 મતની સરસાઈથી વિજય થયો હતો.

વર્ષ 2022 બાદ 2025ની પેટાચૂંટણીમાં પણ બીજી વખત આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજેતા બનાવી વિસાવદર વિસ્તારના મતદારોએ પોતાનો અલગ મિજાજ જાળવી રાખ્યો હતો. સરકાર દ્વારા સત્તાનો  દુરૂપયોગ કરવામાં આવ્યા છતાં મતદારોએ ભાજપને જાકારો આપી સમગ્ર રાજ્યને અલગ મેસેજ આપ્યો હતો.

વિજેતા જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગોપાલ ઇટાલિયાને ઉંચકી લઈ વિજય ઉત્સવ ઉજવ્યો હતો. બાદમાં જૂનાગઢ બાયપાસ, વડાલ, વિસાવદર સહિતના વિસ્તારોમાં વિજય સરઘસ યોજી ખુશી મનાવી હતી. વિજય સરઘરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Tags :