વિસાવદર રાજકીય સમરાગણ બન્યું, દરરોજ યોજાતા સંમેલનો
પક્ષના ઉમેદવાર વગર સ્વાભિમાન સંમેલન યોજાયું, આ લડાઈ ભાજપ- કોંગ્રેસની જ છે : શક્તિસિંહ
હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉમેદવાર નક્કી થયો નથી ત્યાં મધ્યસ્થ કાર્યાલય, પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી સંમેલન યોજાયું હતું. હજુ સુધી ઉમેદવાર જાહેર નહી કરવાના કારણ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી, સોમવારે બપોરે ર વાગ્યા સુધીમાં ફોર્મ પણ ભરાઈ જશે, ઉમેદવાર પણ જાહેર થઈ જશે અને મેન્ડેડ પણ રજૂ થઈ જશે, ઘણી બાબતો પક્ષની રણનીતિનો એક ભાગ હોય છે.
ગઈકાલે આપના અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ભાજપ માટે જ કામ કરે છે. તે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વળતો પ્રહાર કર્યો હતો કે, 'હરિયાણામાં કોંગ્રેસને બહુમતી મળે તે સૌ કોઈ જાણતા હોવા છતાં ભાજપના ઈશારે કોંગ્રેસને હરાવવા માટે આપે પ્રયત્ન કર્યા હતા. કેજરીવાલને કૌભાંડ સબબ જેલમાં જવું પડયું હતું તેને હરિયાણાની ચૂંટણી પૂર્વે જામીન મળી ગયા, પોતાનું કંઈ ન હોવા છતાં ઉમેદવારો ઉતારવાનું નક્કી કર્યું ત્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડાએ ગઠબંધન કરવા માટે તૈયારી દર્શાવી અમુક સીટો આપવા તત્પરતા દાખવી હતી છતાં પણ ભાજપને ફાયદો થાય તે રીતે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. વિસાવદર અને કડી બંને વિધાનસભાની બેઠકો જીતવા માટે જ લડીએ છીએ. લોકશાહીમાં જનતા જનાર્દન સર્વોપરી છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, ગુજરાતના મતદારો બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને મત આપે છે. વિસાવદર બેઠક પર કોંગ્રેસની લડાઈ ભાજપ સાથે જ છે.'
જીજ્ઞોશ મેવાણી અંગે મીડિયા પ્લેટફોર્મ પર કોઈ ટિપ્પણી કરવી નથીઃ શક્તિસિંહનો જવાબ
જીગ્નેશ મેવાણીએ પક્ષના ગદ્દારોને હાંકી કાઢવાની માંગ કરી છે તે મુદ્દે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ અમારા પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે, અમારા પરિવારની વાત છે, કોંગ્રેસ પક્ષની વ્યક્તિ કે નેતાની હલકી ટિપ્પણી કરવી એ મારા માટે યોગ્ય નથી, અમારૂ એક પ્લેટફોર્મ છે જેમાં મારી વિરૂધ્ધ પણ ફરિયાદ કરવાની છૂટ હોય છે અને કરવી જ જોઈએ, મીડિયાનાં પ્લેટફોર્મ પરથી મારા પક્ષના કાર્યકારી અધ્યક્ષની વિરૂધ્ધ મારે કોઈ ટિપ્પણી કરવાની રહેતી નથી.
ઈકો ઝોનના લીધે ખેડૂતો હેરાન : વિપક્ષ નેતા
વિસાવદરના સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં મુખ્ય બે પક્ષ છે, ભાજપ સામે સમગ્ર ગુજરાતભરમાં ભારે આક્રોશ છે તેમાંય વિસાવદરમાં ખૂબ મોટી બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે, કોઈપણ પ્રકારના ઉદ્યોગો નથી જેના કારણે રોજગારીનો મોટો પ્રશ્ન છે. ઈકો ઝોનના લીધે ખેડૂતો હેરાન છે, સરકાર સામે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ લડે છે. કેજરીવાલ પર તેમણે એવી પ્રહારો કર્યા હતા કે, તેને દેશભરની જનતા સારી રીતે જાણી ગઈ છે, અન્ના હઝારે સાથે આંદોલન કરી રાજનીતિમાં ઘૂસી જઈ અને તેની સાથે જ ગદ્દારી કરી છે. દિલ્હીમાં કૌભાંડ કર્યું તે સૌ કોઈ જાણે જ છે.


