Get The App

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા.

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. 1 - image


Botad News: બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી બંને નેતા જેલમાં હતા.

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. 2 - image

શું છે સમગ્ર મામલો?

12 ઓક્ટોબરે બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. 

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. 3 - image

કડદાપ્રથાનો વિરોધ

બોટાદ માર્કેટયાર્ડ (APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન કર્યુ હતું. જેમાં ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન -કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો હતો. 

હડદડ ગામ ઘર્ષણ કેસ: AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, ચાર મહિનાથી જેલમાં બંધ હતા. 4 - image

'એક-એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું'

8 ડિસેમ્બરના રોજ રાજકોટના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'બોટાદના હડદડ આંદોલનમાં 88 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 42 લોકોને જામીન મળ્યા છે અને 46 લોકો જેલમાં છે. એક-એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું. ખેડૂતો ત્યાં પથ્થરમારો કરવા નહીં પરંતુ, કડદા પ્રથા મામલે ન્યાય માગવા ગયા હતા. જેથી તમામ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. બે વર્ષ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમામ ખોટી FIR રદ કરી દેવાશે. આ સાથે ખોટી રીતે જેઓ જેલમાં છે તેમને મુક્ત કરવામાં આવશે અને જેઓ ખરેખર દોષિત છે તેમને જેલમાં પૂરવામાં આવશે. મને પણ જેલમાં નાખવામાં આવ્યો હતો. મારો વાંક શું હતો?

'દંડા અને અશ્રુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન'

કેજરીવાલે તીખો પ્રહાર કરતાં ભાજપ સરકારને અંગ્રેજો જેવી અહંકારી ગણાવી હતી અને કહ્યું કે 'છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવાથી તેમને અહંકાર આવી ગયો છે કે, તેમને કોઈ સત્તા પરથી હટાવી નહીં શકે. દંડા અને આંસુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દારૂ વેચતા લોકો પર ભાજપ કાર્યવાહી નથી કરતી, પરંતુ કડદા પ્રથા દૂર કરવા માટે એકઠા થયેલા ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ એક સિક્કાને બે બાજુ છે'

ભાજપે કેજરીવાલ પર કર્યો હતો વળતો પ્રહાર

બીજી તરફ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે 'બહુરૂપી ચહેરો' દિલ્હી-પંજાબ પૂરતો સીમિત રાખવાની અને સૌરાષ્ટ્રમાં ન આવવાની સલાહ છે, ભાજપ અને કોંગ્રેસને એક સિક્કાની બે બાજુ કહેનારા કેજરીવાલ યાદ રાખે કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે AAPનું જ ગઠબંધન હતું.